All India Koli Samaj: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ સમાજના આગેવાનો પણ એક્શનમાં આવ્યા છે. આ કડીમાં હવે અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના પ્રમુખ વિક્રમ ભાઈ સોરાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીને લઈને તેમણે મહત્વની જાહેરાત કરી છે. કોળી સમાજના વિધાનસભાની ચૂંટણીમા શુ સ્ટેન્ડ રહેશે તે જણાવ્યું.
તેમણે કહ્યું કે,કુંવરજીભાઇ, દેવજીભાઈ અને અજિતભાઈ સહિતના નેતાઓ સમાજના છે, પણ જે સમાજ માટે કામ કરશે તેની સાથે કોળી સમાજ રહેશે. પોતાના માટે મહેનત કરતા નેતાઓ પડખે સમાજ નહીં રહે, સમાજ જાગૃત છે. જે યુવાઓ અને નેતાઓ સમાજની સાથે રહશે તે લોકોને જ સમાજનો ટેકો મળશે. આ ઉપરાંત તેમણે રાજકીય પાર્ટીઓને ટકોર કરતા કહ્યું કે, જે વિસ્તારમાં અમારા સમાજની વસ્તી વધુ છે તે સ્થળે અમારા સમાજના પ્રતિનીધિને ટીકીટ મળવી જોઈએ. આજે યુવાઓને આગળ આવવાની જરૂર છે. કોળી સમાજના અગ્રણીઓની આ જાહેરાત આગામી ચૂંટણીમાં મહત્વની બની રહેશે તેમ લાગી રહ્યું છે.
કુંવરજીભાઇ અને અજિત ભાઈ અંગે તેમણે કહ્યું કે, બંને અગ્રણીઓ સમાજના મોટા નેતાઓ છે. સમાજ માટે બંને એ મોટા આગેવાન છે તેથી વિવાદ દૂર થવો જોઈએ. કોળી સમાજ જાગૃત છે, યુવાનો જાગૃત છે, જે સમાજ માટે કામ કરે છે તેને યુવાઓ ટેકો આપશે. આ ઉપરાંત તેમણે કુંવરજીભાઇ બાવડીયા અને અજિત કોન્ટ્રાકટર અંગેના વિવાદ ઉપર પણ નિવેદન આપ્યું હતું. સમાજમાં દુષણ દૂર કરવા, વ્યસન દૂર કરવા અને સમૂહ લગ્ન ઉપર જોર આપવાની વાત કરી હતી. હાલમાં જ 555 દિકરીઓના એક સાથે સમૂહ લગ્ન કરાવ્યા હતા.
કથા વકતા શાસ્ત્રી ભુપેન્દ્ર પંડયાએ પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, દેશમાં રામરાજનું સ્થાપન થઈ રહ્યું છે. સનાતન ધર્મીઓ એકત્ર રહેશે, એક રહેશે તો કોઈ પણ સત્તા આવે ધર્મની હમેશા રક્ષા થતી રહેશે. અયોધ્યા, કાશી અને મથુરા મુદ્દે તેમણે કહ્યું કે, દેશમાં રામ આવી રહ્યા છે, આગળ પણ ઘણું ઠીક જ થશે. આ ઉપરાંત કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોના આત્માના શાંતિ માટે કથાનું આયોજન થયું હતું.
નરેશ પટેલે શું મૂકી આકરી શરત કે કોંગ્રેસ હાઈકમાન્ડ સામે મૂંઝાઈ ગયું ?
રાજકોટઃ છેલ્લા કેટલાક સમયથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં આવવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, નરેશ પટેલ કઇ પાર્ટીમાં જોડાશે તેને લઇને કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એવી અટકળો ચાલી રહી છે કે નરેશ પટેલ કોગ્રેસમાં જોડાશે પરંતુ હજુ સુધી આ મામલે કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીમાં નરેશ પટેલને કોગ્રેસનો મુખ્યમંત્રીનો ચહેરો બનવું છે પરંતુ કોગ્રેસ હાઇકમાન્ડ આ માટે રાજી નથી અને કહ્યું હતુ કે તમને પહેલા પાર્ટીમાં જોડાવ પછી આ મામલે વાતચીત કરીશું.
જોકે, સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, જો કોગ્રેસ પોતાને મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર નહી કરે તો નરેશ પટેલ કોગ્રેસમાં જોડાશે નહી તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં સમાજ અને વડીલો ના પાડે છે એવું કહીને નરેશ પટેલ પક્ષમાં જોડાવાનો ઇનકાર કરી શકે છે. તાજેતરમાં જ મીડિયા સાથેની વાતચીતમાં નરેશ પટેલે કહ્યું હતું કે તે રાજકારણમાં જોડાશે કે નહી તેને લઇને 31 મેના રોજ જાહેરાત કરી દેશે. બીજી તરફ કોગ્રેસ નરેશ પટેલને કહી રહી છે કે તમે પહેલા પાર્ટીમાં જોડાઇ જાવ અને પછી મુખ્યમંત્રીના ચહેરા અંગે ચર્ચા કરીશું.
બીજી તરફ સમાજના સર્વેમાં જાણવા મળ્યુ હતું કે ખોડલધામ તમામ પાર્ટીઓ કરતા મોટું છે જેથી નરેશ પટેલે રાજકારણથી દૂર રહેવું જોઇએ. નોંધનીય છે કે કોગ્રેસ નરેશ પટેલની શરત નહી માને તો તે સમાજના નામે રાજકારણથી દૂર રહી ખોડલધામમાં સક્રીય રહેવાની જાહેરાત કરી શકે છે. ગુજરાત કોંગ્રેસમાં નવા માળખાની જાહેરાત કરવાની ચર્ચા ચાલી રહી છે. નરેશ પટેલ અને કોગ્રેસ વચ્ચે સહમતિ ન સધાતા આખું સંગઠન માળખું જાહેર કરવામાં બ્લોક લાગી ગયો છે.