નવા વર્ષના રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના હિતમાં લીધો છે મહત્વનો નિર્ણય. સરકારે નિર્ણય કર્યો કે બોર્ડની પરીક્ષામાં ગ્રેસિંગ માર્કસ સાથે પાસ થયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ ડિપ્લોમામાં મેળવી શકશે પ્રવેશ. રાજ્ય સરકારના આ નિર્ણયથી ગ્રેસિંગ માર્કસ સાથે પાસ થયેલા 30 હજાર વિદ્યાર્થીઓને ફાયદો થશે. વિદ્યાર્થીઓના હિતમાં અને ભવિષ્યમાં રોજગારી મેળવે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની ડિપ્લોમાં કોલેજોમાં હાલ 30 હજાર બેઠકો ખાલી પડી છે. વર્ષ 2016થી સરકારે ગ્રેસિંગવાળા વિદ્યાર્થીઓનો ડિપ્લોમામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.


પ્રવેશ પ્રક્રિયાનો સમય લંબાયો હોવાથી ગ્રેસિંગવાળા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરથી આ જાહેરાત કરી છે. રાજ્ય સરકારે ધોરણ 10માં ગ્રેસિંગ વિના 35 ટકા લાવ્યા હોય તેમને જ ડિપ્લોમામાં પ્રવેશ માટે લાયક ગણ્યા હતા.


રાજ્ય સરકારના જૂના નિર્ણયને કારણે અનેક વિદ્યાર્થીઓનું એડમિશન અટવાયું હતું. જોકે નિયમમાં સુધારો ન કર્યો હોત તો બેઠકો ખાલી પડત અને વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે તેવી સ્થિતિ ઉભી થાય તેમ હતી.


આ પહેલા ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોના સંચાલકોએ માંગ કરી હતી કે રાજ્ય સરકાર પોતાના નિયમમાં ફેરફાર કરે. સમગ્ર રાજ્યમાંથી આ મામલે વિરોધના સૂર ઉઠ્યા હતા. કારણ કે કોલેજોમાં બેઠો ખાલી રે તેમ હતી. બીજી બાજુ આ વર્ષે કોલેજ સંચાલકોની સ્થિતિ વિકટ બની હતી.


એક તરફ માસ પ્રમોશનના કારણે વધુ વિદ્યાર્થીઓ પાસ થયા હોવાને કારણે સ્કૂલોમાં એડમિશન ફૂલ થઈ ગયા છે ત્યારે ડિપ્લોમામાં દર વર્ષે 50 ટકા જગ્યાઓ ભરાય છે ત્યારે બાકીની જગ્યાઓ ભરાય તે માટે ગ્રેસિંગથી પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપવો જોઈએ તેવુ તેમનુ કહેવુ હતું. ત્યારે ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોના સંચાલકોની માંગને ધ્યાનમાં રાજ્ય સરકારે પોતાનો નિર્ણય બદલ્યો છે. નવા વર્ષે મળેલી આ ભેટથી અનેક વિદ્યાર્થીઓના ભાવિ સુધરશે.