ગાંધીનગર:વિધાનસભામાં મંગળવારે નેશનલ હેલ્થ મિશન મુદ્દે એક સવાલનો જવાબ આપતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આઉટસોર્સિગ કર્મચારીને પૂરેપૂરૂ વળતર મળે માટે એસ્ક્રો અકાઉન્ટ ખોલવાની કામગીરી 90 ટકા પૂર્ણ થઇ ગઇ છે. જેથી આઉટસોર્સિંગ કર્મચારીઓનો સીધો પગાર બેન્ક અકાઉન્ટમાં જમા થઇ શકે.


આઉટસોર્સિગ કર્મચારીઓને કાયમી કરવા માટે પણ વિધાનસભામાં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. અમિત ચાવડાએ ગૃહમાં કહ્યં કે, આઉટસોર્સિગ કર્મચારીનું શોષણ બંધ કરીને આ કર્મચારીને કાયમી કરવા જોઇએ,. આ મુદ્દે વિજય રૂપાણીએ જવાબ આપતાં કહ્યું હતું કે, ભરતી કલેન્ડર મુજબ ભરતી થાય છે. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, ત્રણ વર્ષમાં 1.25 લાખ ભરતી કરવામાં આવી છે.


કોંગ્રેસ દ્રારા એજન્સીઓની ખુલ્લી લૂંટનો મુદ્દો પણ ગૃહમાં ચર્ચાયો હતો. ગૃહમાં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે, સર્વિસ ચાર્જના નામે એજન્સીઓ ઉઘાડી લૂંટ ચલાવીને તગડો નફો વસૂલે છે. આ સવાલના જવાબમાં ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે, આરોગ્ય વિભાગમાં કંપનીઓ 12થી13 ટકા નફો લેતી હોવાનું સામે આવતા 5 ટકા કરી દેવાયો છે. આ નિર્ણયથી સરકારને પ્રતિ મહિને 10 કરોડથી વધારેની બચત થઇ રહી છે.