અમદાવાદઃ ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં ફાટકડા ફોડી શકાશે કે નહીં એ મુદ્દે હજુ ગૂંચવાડો પ્રવર્તી રહ્યો છે. દિવાળીના તહેવારોમાં ફટાકડાં ફોડવાના મુદ્દે હજુ રાજ્ય સરકારે કોઇ નિર્ણય લીધો નથી  પણ રાજ્ય ગૃહવિભાગે જાહેર નામુ બહાર પાડીને જાહેરમાં ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં ફટાકડાં વિદેશથી આયાત કરવા પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.




રાજ્ય સરકારે સત્તાવાર રીતે ફટાકડાં ફોડવા કે નહીં તે અંગે નિર્ણય લીધો નથી ત્યારે  ગૃહવિભાગના જાહેરનામા પછી અવઢવની સ્થિતી ઉભી થઇ છે. રાજ્ય ગૃહવિભાગે સુપ્રિમ કોર્ટના  2015ના આદેશ આધારે જાહેરનામુ બહાર પાડયુ છે. આ આદેશ પ્રમાણે દિવાળીના તહેવારોમાં જાહેરમાં ફટાકડાં ફોડી શકાશે નહીં. આ આદેશમાં પણ ખાનગી મિલકતોમાં કે સોસાયટીમાં ફચાકડા ફોડવા અંગે કોઈ સ્પષ્ટતા નથી તેથી ભારે ગૂંચવાડો છે.



દેશભરમાં ફટાકડાં ફોડવા પર પ્રતિબંધના મુદ્દે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દેશના તમામ રાજ્યોને નોટિસ આપીને ખુલાસો પૂછ્યો છે.  આ અંગે કોઈ જવાબ હજુ રાજ્ય સરકારે આપ્યો નથી અને  હજુ રાજ્ય સરકારે કોઇ નિર્ણય લીધો નથી. બીજી તરફ ગૃહ મંત્રાલયના જાહેરનામા મુજબ ફટાકડાંના ગેરકાયદે આયાત જ નહીં પણ ફટાકડાંના સંગ્રહ-વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનરોને કલમ 144 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો બહાર પાડવા સૂચના આપી દેવાઇ છે. સુપ્રિમ કોર્ટના આદેશનું કડકપણે પાલન થાય તે માટે પોલીસને આદેશ કરાયો છે. આમ રાજ્ય સરકાર ફટાકડા મુદ્દે હજુ નિર્ણય લેવાયો નથી એવું કહે છે ત્યારે ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડીને અવઢવ પેદા કરી દીધી છે.