Banaskantha News: બનાસકાંઠાના પાલનપુર ના કાણોદરમાં ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી પર રેડ કરવામાં આવી હતી. બાતમીને આધારે પુરવઠા અધિકારીએ ડુપ્લીકેટ ઘી ની ફેક્ટરી પર કરી રેડ કરી હતી. નમસ્તે બાદ શ્રીમુલ ઘી ની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. ફુડ વિભાગની નમસ્તે ઘી ની ફેક્ટરી ની રેડમાં શ્રીમૂલના પાઉચ મળી આવતા તપાસ હાથ ધરી હતી. પુરવઠા અધિકારીએ રેડ કર્યા બાદ ફૂડ વિભાગને જાણ કરી હતી. પુરવઠાને ફૂડ વિભાગે 1300 કિલો ડુપ્લીકેટ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો. ડુપ્લીકેટ ઘી ની રેડ પર ફૂડ વિભાગના અધિકારી વિગત છુપાવી રહ્યા હતા. ગઈકાલે પણ ડુપ્લીકેટ દૂધની ફેક્ટરીમાં રેડ બાદ આજે ડુપ્લીકેટ ઘીની ફેક્ટરીમાં પુરવઠા વિભાગે રેડ કરી હતી. ફૂડ વિભાગની મીઠી નજર હેઠળ ડુપ્લીકેટ ઘી અને ડુપ્લીકેટ દૂધ સહિત અખાદ્ય વસ્તુઓની હાટડીઓ ધમધમી રહી છે.


ગઈકાલે બનાસકાંઠા હાઇવે પર ટેન્કરના દૂધની ચકાસણી કરતા મિક્ષિંગ જણાયું હતું. દૂધના સેમ્પલ લઈ તપાસ કરતા ગાંધીનગરની મે. ગામડીવાલા અને પાલનપુરની ડેરીમાં  ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં ગામડીવાલા ડેરી ખાતેથી માલટોડેક્ષટ્રીનની 9 ખાલી બેગ મળી આવી હતી. આ અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, નાગરિકોના આરોગ્યની દરકાર કરી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા પાલનપુર અને ગાંધીનગર ખાતે મળી આશરે રૂ. ૪.૧૭ લાખની કિંમતનો ૧૦,૦૦૦ લીટર જેટલો ભેળશેળયુક્ત દૂધનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. સાથે જ શંકાસ્પદ ચીઝ અને પનીરનો રૂ. ૮૩,૦૦૦ની કિંમતનો ૩૦૭ કિ.ગ્રા. જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.




તેમણે વધુ વિગતો આપતા ઉમેર્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને પાલનપુર-બનાસકાંઠા ખાતે ટેન્કરમાં લઇ જવામાં આવી રહેલું દૂધ શંકાસ્પદ હોવાની બાતમી મળી હતી. જેના આધારે તપાસ હાથ ધરતા ટેન્કરમાં રહેલા દૂધના જથ્થામાં માલ્ટોડેક્ષટ્રીન પાવડરની ભેળસેળ જોવા મળી હતી. આ ટેન્કર પાલનપુરના મે. સધી માં મિલ્ક પ્રોડક્ટ્સને દૂધ પૂરું પાડવા જઈ રહ્યું હતું. પેઢીના માલિક લક્ષ્મણભાઈ મોદીની હાજરીમાં દૂધના ૧૧ નમૂના લેવામાં આવ્યા હતા. સાથે જ દૂધનો રૂ. ૧.૬૮ લાખની કિંમતનો ૪૭૮૧ લીટર જથ્થો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો.


દૂધનો આ જથ્થો ગાંધીનગરની મે. ગામડીવાલા મિલ્ક પ્રોસેસર પેઢી દ્વારા મોકલવામાં આવી રહ્યો હતો. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગર ટીમ દ્વારા પેઢી ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ પેઢી દ્વારા ઉત્પાદિત થતા દૂધની તપાસ કરતા તેમાં પણ માલ્ટોડેક્ષટ્રીન પાવડરની ભેળસેળ જોવા મળી હતી. જેના આધારે પેઢીના મેનેજર  મહેન્દ્રભાઈ શુક્લાની હાજરીમાં દૂધના ૭ અને એડલ્ટ્રન્ટ તરીકે માલ્ટોડેક્ષટ્રીન પાવડરનો ૦૧ નમૂનો મળી કુલ ૦૮ નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે બાકીના રૂ. ૨.૫ લાખની કિંમતનો ૫,૦૦૦ લીટર દૂધનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.


આ ઉપરાંત  પેઢીમાંથી પનીર અને ચીઝ જેવી દૂધની બનાવટોની તપાસ કરતા તે પણ શંકાસ્પદ જણાઈ હતી. પેઢી ખાતેથી ચીજનો ૦૧ અને પનીરના ૦૨ મળી કુલ ૦૩ નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે રૂ. ૮૨,૯૭૬ની કિંમતનો આશરે ૩૦૭ કિ.ગ્રા. શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું.