ભાવનગરઃ શિહોરના ગૌતમેશ્વર તળાવમાં યુવક અને યુવતી ડૂબી ગયા હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.  ગૌતમેશ્વર તળાવ ખાતે  યુવતીનો પગ લપસી ગયો હતો. યુવતીનો પગ લપસતાં તે તળાવના પાણીમાં ગરકાવ થઈ હતી.


જેથી યુવાને ડૂબી રહેલી યુવતીને બચાવવા તળાવમાં છલાંગ લગાવી હતી, પરંતુ યુવતી પાછળ છલાંગ લગાવનાર યુવાન પણ પાણીમાં ગરકાવ થયો હતો. ગૌતમેશ્વર તળાવે ફરવા ગયા હતા તે દરમ્યાન દુર્ઘટના બની હતી. ફાયર વિભાગ દ્વારા પાણીમાં ગુમ થયેલા યુવક અને યુવતીની શોધખોળ હાથ ધરાઇ હતી. યુવક અને યુવતી ડૂબ્યાના સમાચાર થોડીવારમાં જ આસપાસના વિસ્તારમાં ફેલાઇ ગયા હતા. જેને કારણે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. 

વધુ વિગતો એવી છે કે, શહેરની એમ.જે. કોલેજમાં અભ્યાસ કરતાં યુવક-યુવતીઓ આજે સિહોર ગૌતમેશ્વર તળાવકાંઠે ફરવા ગયાં હતાં. વલ્લભીપુરની 19 વર્ષીય નિયતિ ભટ્ટ માછલીઓને ખોરાક આપી રહી હતી. આ સમયે સંતુલન ગુમાવતાં તળાવમાં પડી હતી, તેને બચાવવા સિહોરનો જ રહેવાસી 20 વર્ષીય જગદીશ મકવાણા તળાવમાં કૂદ્યો હતો, પરંતુ બંને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. બંને ડુબવા લાગતાં સાથે ફરવા આવેલા યુવક-યુવતીઓએ મદદ માટે બૂમાબૂમ કરી હતી. બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા.


આ અંગે પોલીસ તથા ફાયરબ્રિગેડને જાણ કરાતાં તરવૈયાઓ સાથે મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. યુવતીની લાશ બહાર કાઢી હતી. સિહોર પોલીસે સ્થળ પર પંચનામું કરી લાશને પીએમ માટે સિહોર રેફરલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. 


અમદાવાદઃ સોલા સિવિલમાંથી 1 દિવસીય બાળકીનું અપહરણ, પોલીસે શરૂ કર્યો તપાસના ધમધમાટ


અમદાવાદઃ સોલા સિવિલ હોસ્પિટલમાં 01 દિવસીય બાળકીનું અપહરણ થતાં ખળભળાટ મચી ગયો છે. સોલા પોલીસે બાળકીના અપહરણ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સોલા પોલીસ સ્ટેશનના 70 જેટલા પોલીસ કર્મીઓનો સ્ટાફ બાળકીને શોધવામાં કામે લાગ્યો  છે. મોબાઈલ ટાવર અને ડમ્પ ડેટાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. બાળક તસ્કરી કરનારી ટોળકીઓની દિશામાં પણ તપાસ ચાલી રહી છે.


વોર્ડની અંદર રહેલી અન્ય મહિલાઓ અને સ્ટાફની પણ પૂછપરછ હાથ ધરાઈ છે. સોલા સિવિલના RMO પ્રદીપ પટેલે ભુલ સ્વીકારી છે. તેમણે કહ્યું હતું કે, અમારી પણ બેદરકારી અને ક્યાંક ચૂક રહી ગઈ છે. અમે સિક્યુરિટીને પણ નોટિસ આપી ખુલાસો માંગીશુ. આવી ઘટના ન બનવી જોઈએ અત્યારે CCTV તપાસ ચાલુ છે. સોલા સિવિલમાં 55 થી 60 ગાર્ડની જરૂર છે, તેની સામે 24 કલાકમાં 40 જ ગાર્ડ છે.


સોલા સિવિલ હોસ્પિટલમાંથી સરસ્વતી પાસી નામની માતાની એક દિવસની બાળકીનું અપહરણ થયું છે.  સોલા સિવિલના ત્રીજા માળે આવેલ pnc વોર્ડમાંથી બાળકીનું અપહરણ થયું છે. સોલા પોલીસે અજાણ્યા શસ્ખો સામે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.