વિજય રૂપાણીએ અચાનક જ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યાં બાદ સતત અનેક નામો સાથે નવા સીએમના ચહેરાની અટકળો સેવાઇ રહી હતી. આ બધા વચ્ચે આજે ધારાસભ્ય દળની બેઠક બાદ નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તેઓ 13 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે.
કોર કમિટીની બેઠક બાદ તરત જ ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર પસંદગીનો કળશ ઢોળાયો હતો. પ્રદેશ પ્રમુખ સી,આર પાટિલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે,. ભૂપેન્દ્ર પટેલ આજે રાજ્યપાલને મળવા જશે અને 13 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે,.
ભૂપેન્દ્ર પટેલની રાજકીય સફર
ઉલ્લેખનિય છે કે, ભૂપેન્દ્ર પટેલ ઔડાના ચેરમેન રહી ચૂક્યાં છે . તેઓનો જન્મ 15 જૂલાઇ 1962ના રોજ અમદાવાદમાં થયો હતો. તેઓએ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશીકાંત પટેલ સામે લડીને 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તેઓ ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય બન્યા. તેમણે 117,000 મતદારોના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી હતી.
સરદાર ધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને ઔડા સાથે સંકળાયેલા 59 વર્ષીય ભૂપેનિન્દ્ર પટેલને એક સમયે રૂપાણી સરકારની એટલી હદે નજરઅંદાજ કરવામાં આવ્યા હતા કે કેબિનેટ સુદ્ધામાં પણ સમાવેશ કરવામાં આવ્યો નહતો. ચાર વર્ષ પહેલા રચાયેલી રૂપાણી સરકારના મંત્રીમંડળમાં ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાંથી બાદબાકી કરવામાં આવી હતી. આ સમયે કાર્યકરોમાં આશ્ચર્ય ફેલાયું હતુ કે રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકોના પરિણામમાં સૌથી વધુ 1.17 લાખની લીડ સાથે ભૂપેન્દ્ર પટેલ ચૂંટાયા હતા.
આ પહેલાં વિજય રૂપાણીના રાજીનામા પછી કોને મુખ્યમંત્રી બનાવવા તે અંગે ભાજપમાં લાંબી ચર્ચા ચાલી હતી. ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા નીરિક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીએ ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરીને તેમનાં મંતવ્ય લીધાં હતાં. હાઈકમાન્ડે મોકલેલાં નામો અંગે પણ જાણ કરાઈ હતી અને તેના આધારે ધારાસભ્ય દળની બેઠકમાં કોના નામની દરખાસ્ત મૂકવી તેની સૂચના અપાઈ હતી.
ભાજપ મુખ્યાલય કમલમ ખાતે બપોરે ત્રણ વાગ્યો બોલાવાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા સૂચના અપાઈ હતી. ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા નીરિક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીએ નીતિન પટેલના નામની જાહેરાત કરી હતી. બેઠકમાં ઉપસ્થિતી તમામ ધારાસભ્યોએ ભૂપેન્દ્ર પટેલના નામને વધાવી લેતાં સર્વાનમુતે ભૂપેન્દ્ર પટેલની ભાજપ વિધાનસભા પક્ષના નેતાપદે નિમણૂક કરાઈ હતી.