6 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરનારા મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હવે ધરપકડથી બચવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. આ મામલે આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અરજીમાં પોતે કોઇ કૌભાંડ ન કર્યાની વાત કરી હતી. તેણે પોલીસ તપાસમાં સહકાર આપવાની પણ વાત કરી હતી.


ભૂપેંદ્ર ઝાલાએ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. મહાઠગે અરજીમાં કોઈ કૌભાંડ આચર્યું જ ન હોવાની વાત કરી હતી અને ખોટી ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરી છે. કૌભાંડ સામે આવ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી જનાર મહાઠગે હવે પોલીસ તપાસમાં સહકાર આપવાની તૈયારી બતાવી છે. કોર્ટ જે શરતોએ આગોતરા જામીન આપે તે શરતો પાળવા પોતે તૈયાર છે તેથી આગોતરા જામીન આપવા જોઈએ તેવી રજૂઆતો કરી છે. ગ્રામ્ય કોર્ટે તપાસ અધિકારી અને સરકારી વકીલને નોટિસ પાઠવી છેઅને આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. આવતીકાલે તપાસ અધિકારી આરોપીની જામીન અરજી સામે એફિડેવિટ ફાઈલ કરશે.


મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ ફરિયાદ ન નોંધાવવા રોકાણકારોને મેસેજ કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરાશે. પીડિતોને પોલીસ ફરિયાદ ન કરવા મેસેજ કરનાર તત્વો સામે મદદગારી બદલ કાર્યવાહી કરાશે. પોલીસ પાસે જશો તો પૈસા નહી મળે તેવી ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટો સોશલ મીડિયામાં અફવા ફેલાવી રહ્યા છે. આવા તત્વોને પકડવા માટે પોલીસ કાર્યવાહી શરૂ કર્યાનું સીઆઈડી ક્રાઈમે ચેતવણી આપી છે. CID ક્રાઈમને ભૂપેન્દ્રસિંહની કુલ 22 સંપત્તિ મળી આવી છે. જેને ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરાશે. CID ક્રાઈમે રોકાણકારોને અપીલ કરી છે કે, તેઓ એજન્ટ અથવા ભૂપેન્દ્રસિંહની માહિતી આપે.


એબીપી અસ્મિતાએ એસટીના કલાર્ક નિરંજન શ્રીમાળીનો પર્દાફાશ કર્યો હતો. મહાઠગ ભૂપેન્દ્ર તો ત્રણ વર્ષમાં ડબલની લાલચ આપતો હતો. જ્યારે મહાઠગ નિરંજન શ્રીમાળી તો માત્ર 200 દિવસમાં લોકોને ડબલની લાલચ આપી છેતર્યા હતાં. હવે એબીપી અસ્મિતાએ મહાઠગ નિરંજનનો પર્દાફાશ કરતા જ પોલીસે ફરિયાદ નોંધી છે.  સરકાર વતીથી પોલીસ ઈન્સ્પેક્ટર પાલભાઈ ભરવાડ ફરિયાદી બન્યા છે અને 39 લાખ 18 હજાર 500 રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. નોંધનીય છે કે નિરંજને પણ કરોડો રૂપિયાની ઠગી કરી છે. નિરંજને પ્રથમ ડ્રો સિસ્ટમ શરૂ કરી હતી. જેમાં લોકોને લૂંટવાની માસ્ટરી કેળવી હતી. ત્યારબાદ સીધા જ લોકોને ડબલની લાલચમાં ફસાવી કરોડો રૂપિયા વસૂલી લીધા હતા.