પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ 28 ડિસેમ્બરથી શરુ થતી પરીક્ષાઓ માટે આજે માર્ગદર્શીકા બહાર પાડી છે. જેને લઈને વિદ્યાર્થીઓએ ઓનલાઈન અને ઓફલાઈનનો વિકલ્પ તો આપ્યો છે પરંતુ કોઈપણ સંસ્થા ઓનલાઈન પરીક્ષા માન્ય ન રાખે તો જવાબદારીથી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ હાથ ખંખેરી લીધા છે.

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા અલગ અલગ 11 મુદ્દા ઓનલાઈન પરીક્ષાની ગાઈડલાઈંસને લઈને જાહેર કરાયા છે. જે પૈકી 10 નંબરના મુદ્દામાં યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી છે. કે કોઈપણ સરકારી કે બિનસરકારી સંસ્થા આ ઓનલાઈન પરીક્ષાને અયોગ્ય ગણે તો તે માટે યુનિવર્સિટી જવાબદાર ગણાશે નહીં.

હવે સૌથી મોટો સવાલ એ છે કે તમામ નિયમો નક્કી કરી આ પરીક્ષા યુનિવર્સિટી લેતી હોય તો પોતાની જવાબદારીમાંથી છટકે કેમ અને જો. યુનિવર્સિટી પોતે જ લીધેલી પરીક્ષાની જવાબદારી લેવા તૈયાર ન હોય તો વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કેમ કરે અને એટલે જ વિદ્યાર્થી નેતાઓ તેમજ પાટણના ધારાસભ્ય અને શિક્ષણવિદ્દ કિરીટ પટેલે આ મુદ્દે સવાલ પણ ઉઠાવ્યા છે.