Biporjoy: ગઇકાલે ગુજરાતના તટ વિસ્તારોમાં ત્રાટકેલા બિપરજૉય વાવાઝોડાએ તબાહી મચાવી છે, ગુજરાતમાં મોટા ભાગના કાંઠા વિસ્તારોમાં લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધુ છે. આ બધાની વચ્ચે હવે બિપરજૉય લેન્ડફૉલ બાદ અનેક સ્થળોએ ભારે વરસાદ અને પવન ફૂંકાવવાનું શરૂ થઇ ગયુ છે. બિપરજૉય લેન્ડફૉલ દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર પરથી પસાર થયું હતું. 6 કલાકમાં 13 કિ.મી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધ્યુ હતું. આ દરમિયાન મોરબીમાં ભારે વરસાદ અને પવન ફૂંકાવવાથી મોટુ નુકશાન થયુ છે. અત્યારે મોરબીમાં વાવાઝોડાની અસરના કારણે ભારે વરસાદ શરૂ થઇ ગયો છે. 


બિપરજૉય વાવાઝોડાના લેન્ડફૉલ બાદ મોરબીના નવલખી બંદર નજીક પવન સાથે ભારે વરસાદ તુટી પડ્યો છે. મોરબીમાં સવારથી જ ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવવાની ઘટનાઓ સામે આવી છે. મોરબી જિલ્લામાં તમામ વિસ્તારમાં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. મોરબીમાં નવલખી બંદર, ઝિંઝડા, વર્ષા મેડી, મોટા દહિસરા, નાના દહિસર, લવણપુર સહિતના વિસ્તારોમાં ભારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. 


ખાસ વાત છે કે, બિપરજૉય વાવાઝોડું જખૌ બંદરથી 40 કિ.મી ઉત્તર પૂર્વ તરફ ફંટાયું હતું. વાવાઝોડુ દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શાંત પડશે. બિપરજૉય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. વાવાઝોડા બાદ અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.


સાબરકાંઠામાં વરસાદ - 
બીપોરજોય વાવાજોડાની અસર સાબરકાંઠા જિલ્લામાં વર્તાઈ છે. જિલ્લામાં વહેલી સવારે વરસાદ વરસ્યો છે. પવન સાથે જિલ્લાના વડાલી પંથકમાં વરસાદ પડ્યો છે. વડાલી શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસ્યો વરસાદ પડ્યો છે.


અરવલ્લી જિલ્લામાં વરસાદ - 
ઉત્તરગુજરાતમા બીપરજોય વાવાઝોડાની અસર જોવા મળી છે. અરવલ્લીમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. મોડાસા - શામળાજી હાઇવે ઉપર ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.  મોડાસાના ગ્રામીણ પંથકમાં પણ વરસાદ પડી રહ્યો છે. ઈસરોલ, જીવણપુર ઉમેદપુર સહિતના પંથકમાં વરસાદ પડ્યો છે.


 


હવામાન વિભાગે જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે આજે અને આવતીકાલે ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ પડશે. આગામી ચાર દિવસ સુધી રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે કચ્છમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. શુક્રવારે (16 જૂન) સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ યથાવત રહેશે. તોફાનના કારણે દિલ્હીમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. આ સાથે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે.


અનેક વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી


કચ્છ જિલ્લાના જખૌ અને માંડવી પાસે કેટલાય વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થયા હતા, જ્યારે ઘરના બાંધકામમાં વપરાતા શેડ પણ ઉડી ગયા હતા. દ્વારકામાં ઝાડ પડવાથી ત્રણ લોકોને ઈજાઓ પહોંચી છે જેમને સારવાર આપવામાં આવી રહી છે. ગુજરાત પોલીસ, નેશનલ ડિઝાસ્ટર ફોર્સ અને આર્મીની ટીમો દ્વારકાના વિવિધ ભાગોમાં ઉખડી ગયેલા વૃક્ષોને હટાવવાનું કામ કરી રહ્યા છે. સેનાએ ભૂજ, જામનગર, ગાંધીધામ તેમજ નલિયા, દ્વારકા અને માંડવીમાં અનેક સ્થળોએ 27 રાહત ટીમો તૈનાત કરી છે. વાયુસેનાએ વડોદરા, અમદાવાદ અને દિલ્હીમાં એક-એક હેલિકોપ્ટર તૈયાર રાખ્યું છે. નેવીએ બચાવ અને રાહત માટે ઓખા, પોરબંદર ખાતે 10-15 ટીમો તૈનાત કરી છે, જેમાં પ્રત્યેકમાં પાંચ ડાઇવર્સ અને તરવૈયાઓનો સમાવેશ થાય છે. IMDના અમદાવાદ યુનિટના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે ચક્રવાતની તીવ્રતા ઓછી થવા છતાં શુક્રવારે જોરદાર પવન ફૂંકાશે.