Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં એક્ટિવ સિસ્ટમના કારણે ગત સપ્તાહ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ જોવા મળી પરંતુ હાલ ગુજરાતભરમાં વરસાદનું જોર ઘટી જતાં મોટાભાગના વિસ્તારથી ચોમાસાએ લગભગ વિદાય લઇ લીધી છે. નવરાત્રિનું પર્વ 3 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યું છે અને 11 ઓક્ટોબરે સમાપ્ત થઇ રહ્યું છે ત્યારે આ સમય દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે. વરસાદ કયાં કેટલો પડશે તેને લઇને ચિંતા છે. તે સ્વાભાવિક છે. તો જાણીએ કે આખરે નવરાત્રિના સેલિબ્રેશનમાં વરસાદ વિઘ્નરૂપ બનશે કે કેમ. 3 ઓક્ટોબરથી  11 ઓકટોબર સુધી એટલે કે અંતિમ નોરતા સુધી ગુજરાતમાં કેવુ હવામાન રહેશે જાણીએ


હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં આકાશ સ્વસ્છ છે અને ઉનાળા જેવી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.  જો કે હજું પણ ચોમાસાએ વિદાય સમયે પણ ગુજરાતને વરસાદથી સંપૂર્ણ મુક્તિ મળે તેવા સંકેત નથી મળી રહ્યાં. આ સપ્તાહમાં ગુજરાતમાં છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. જો કે દક્ષિણ ગુજરાત સિવાય આ સમય દરમિયાન વરસાદની ઓછી શક્યતા ઓછી છે


નવરાત્રિ દરમિયાન આ વસ્તારમાં પડી શકે છે વરસાદ


ગુજરાતમાં આવનાર દિવસમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, ભરૂચ ડાંગ છોટા ઉદેપુર,  અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, ખેડા, આણંદ  આ વિસ્તારમાં  છૂટછવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચથી 6 દિવસ છૂટછવાયો વરસાદ રહેશે.સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી છે.  હાલ કોઇ સિસ્ટમ સક્રિય  ન હોવાથી ગુજરાતમાં કોઇ પણ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે.


રાજ્યમાં આ ડેમ થયા ઓવરફ્લો


રાજ્યના 207 પૈકી 130 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. તો  કચ્છ-સૌરાષ્ટ્રના 108, જ્યારે મધ્ય ગુજરાતના 10 ડેમ ઓવરફ્લો થયા છે.  તો દક્ષિણ ગુજરાતના નવ અને ઉત્તર ગુજરાતના ત્રણ ડેમ છલોછલ  ભરાઇ ચૂક્યાં છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 183 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે.  90 ટકાથી વધુ ભરાયેલા 163 જળાશયો હાઈએલર્ટ પર છે. જ્યારે 80થી 90 ટકા ભરાયેલા 11 ડેમ એલર્ટ તો 70થી 80 ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ પર છે.


ચોમાસાની સિઝનનો કેટલો વરસાદ વરસ્યો


ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 137.23 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ સિઝનનો 184.86 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  જ્યારે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 147.07 ટકા વરસાદ વરસ્યો છે.  દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 141.08 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 132.77 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 114.55 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.