Chhota Udaipur: છોટાઉપુરમાં એસ.ટી.બસમાં દારૂની હેરાફેરી કરતી મહિલા મુસાફરો ઝડપાઇ છે. છોટાઉદેપુર - જૂનાગઢ એસટી બસમાંથી દારૂ લઇ જતી બે મહિલાઓ ઝડપાઇ હતી.મહિલાઓની સ્કૂલ બેગ તેમજ થેલીમાંથી વિદેશી દારૂ મળ્યો હતો. બોડેલી પોલીસે 40 હજાર ઉપરાંતનો વિદેશી દારૂના જથ્થા સાથે બે મહિલાઓની  ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.


નડિયાદ પાસેના ચકલાસી નજીકથી ચકલાસી પોલીસે મોટી માત્રામાં દારૂ પકડી પાડ્યો છે. અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર ખોટી નંબર પ્લેટ લગાવી ટ્રકમાં દારૂની હેરાફેરી કરતા ટ્રક ચાલકને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે રૂપિયા 58.34 લાખનો વિદેશી દારૂ સાથે અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 68 લાખ 39 હજાર 600નો મુદ્દામાલ કબજે કર્યો છે અને ટ્રક માલિક, દારૂનો જથ્થો સપ્લાય કરનાર, મદદગારી કરનાર, આ દારૂનો જથ્થો મંગાવનાર સહિત અન્ય એક ઈસમ મળી કુલ 6 સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




જામનગર શહેર લાલપુર તેમજ નાઘેડીમાં પોલીસે ગઈ રાત્રે જુદા જુદા પાંચ સ્થળે દારૂ અંગે દરોડા પાડ્યા હતા અને 7 શખ્સોની અટકાયત કરી હતી. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખાયડી ગામમાં રહેતા કમલેશ ઉર્ફે લાલુ કિશોરભાઈ જોટંગીયા નામના શખ્સના મકાન પર પોલીસે દારૂ અંગે દરોડો પાડી, કુલ 133 નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો કબજે કર્યો છે, અને આરોપીને અટકાયત કરી છે. જેને દારૂ સપ્લાય કરનાર ખાયડી ગામના કલ્પેશ કિશોરભાઈ જોટંગીયાને ફરાર જાહેર કરાયો છે. જામનગર નજીક નાઘેડી ગામના પાટીયા પાસેથી બાઈક પર ઇંગ્લિશ દારૂ સાથે નીકળેલા મજબૂત સિંહ જશુભા જાડેજા તેમજ પૃથ્વીરાજસિંહ સહદેવ સિંહ રાઠોડની અટકાયત કરી લઈ તેઓ પાસેથી 15 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી અને બાઈક તેમજ મોબાઇલ ફોન વગેરે કબજે કર્યા છે. ઈંગ્લીશ દારૂ અંગેનો ત્રીજો દરોડો જામનગરમાં ગુરુદ્વારા ચોકડી પાસે પાડવામાં આવ્યો હતો. ત્યાંથી નીકળેલા વિક્રાંત મહેન્દ્રભાઈ ભાવસાર નામના ધોબી શખ્સ તેમજ મનોજ કાલિદાસ રામાવતની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી 24 નંગ ઇંગલિશ દારૂની બાટલી કબજે કરી છે. જેને દારૂ સપ્લાય કરનાર દરેડના રાજેશ માતંગને ફરાર જાહેર કરાયો છે. ઇંગલિશ દારૂ અંગેનો ચોથો દરોડો જામનગરમાં ગોકુલ દર્શન સોસાયટીમાં પાડવામાં આવ્યો હતો, ત્યાંથી 20 નંગ દારૂની બાટલીના જથ્થા સાથે નિકુંજ અનિલભાઈ ચોવટીયા નામના શખ્સને ઝડપી લીધો છે, અને તેની સામે દારૂબંધી ભંગ અંગે ગુનો નોધ્યો છે. આ ઉપરાંત સાત રસ્તા પાસે પ્રદર્શન ગ્રાઉન્ડ પાસેથી ઇંગલિશ દારૂ સાથે નીકળેલા શૈલેષ જીવરાજભાઈ મકવાણાની પોલીસે અટકાયત કરી લીધી છે.