Chhota Udepur : છોટા ઉદેપુરમાં પડેલા ભારે વરસાદને કારણે ભારે નુકસાન થયું છે.છોટાઉદેપુર જિલ્લાના કોસિન્દ્રા-પાનવડ રોડ ઉપર મણાવાંટ ગામ નજીક વર્ષો જૂનો પુલ તૂટી ગયો છે. ગત 10મી જૂલાઈએ છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદને લઈ કોતરના ધસમસતા પ્રવાહમાં આ પુલના બે ભાગ થઈ ગયા.
15થી વધુ ગામોનો રસ્તો બંધ થયો
મણાવાંટ ગામ નજીક વર્ષો જૂનો પુલ તૂટી જતા મણાવાંટ, ચાવરિયા, જિલાવા, ખાટિયાવાંટ, મોરાંગના સહિત 15 થી વધુ ગામના લોકોને રસ્તો બંધ થઈ જતા ભારે હાલાકી વેઠવી પડી રહીં છે. આસપાસના લોકો પોતાના જીવના જોખમે બાઈક લઈને નદીના કોતરમાંથી પસાર થઈ રહ્યા છે. પ્રશાસન દ્વારા ડાઈવર્ઝનની કામગીરી કરાઈ રહી છે. પરંતુ ગામલોકો મુજબ જો વધુ વરસાદ આવે તો આ ડાઈવર્ઝન ફરી ધોવાઈ જશે. ગ્રામજનો વહેલી તકે અહીં પાકો પુલ બને તેવી માંગ કરી રહ્યા છે.
ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન
છોટાઉદેપુર જિલ્લામાં ગત 10મી જુલાઈએ મેઘ કહેર વરસી. ભારે વરસાદના પગલે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. બોડેલી તાલુકામાં ચોવીસ કલાકમાં જ 22 ઇંચ વરસાદ ખાબકી જતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા, ખેતરો જાણે કે તળાવ હોય તેવી સ્થતીનું નિર્માણ થયું. ખેડૂતોના કપાસ, તુવેર, કેળ સહિતના પાકોમાં મોટું નુકસાન ગયું છે.
બોડેલીના પાનેજ ગામે તો ખેતરોમાં રેતીના થર જામી ગયા, ઉભો પાક તો તણાઈ જતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડયો પરંતુ ફળદ્રુપ જમીનમાં ક્યાંક ઊંડા ખાડા તો ક્યાંક રેતીના થર જામી જતા જમીન ખેતીના લાયક રહી નથી તેવામાં ખેડૂતો સરકાર પાસે જમીન સમતલ કરવા અને રેતી હટાવવા માટે સહાય માંગી રહ્યા છે.
આ પણ વાંચો :
પંચમહાલ: રોડ-રસ્તા ધોવાતા લોકો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર