રાજકોટ: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ ખાતે  આવેલા ગાયત્રી આશ્રમ ખાતે ગુરદત્ત જ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ ભવ્ય ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. અહીં ગાયત્રી આશ્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરી એક વખત હળવાશ અને આધ્યાત્મિક મૂડમાં જોવા મળ્યાં હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગધેથડના ગાયત્રી આશ્રમ ખાતે ગુરુપૂજન કાર્યક્રમમાં સહભાગી થયા હતા. તેમણે આશ્રમના  મહંતશ્રી લાલબાપુના આશીર્વાદ પણ લીધા હતા.


મુખ્યમંત્રીએ ગાયત્રી મંદિરમાં શીશ ઝૂકાવ્યું


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,  ગધેથડ ગાયત્રી આશ્રમ જેવી આસ્થાની જગ્યાઓએ આવવાથી જનસેવા માટેનું મારુ મનોબળ વધુ મજબૂત થાય છે.  ગાયત્રી મંદિરમાં શીશ ઝૂકાવી પ્રજાની સુખાકારી અર્થે પ્રાર્થના કરી હતી. 


આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યુ હતું કે, " ગધેથડ ગાયત્રી આશ્રમ જેવી આસ્થાની જગ્યાએ આવવાથી જનસેવા માટેનું મારુ મનોબળ વધુ મજબૂત બને છે". છેવાડાના નાનામાં નાના માણસની સુખાકારી વધારવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ત્યારે સંતોના આશીર્વાદથી જન કલ્યાણનો અમારો સંકલ્પ વધુ મજબૂત બનશે.


તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "માગશર પૂર્ણિમાના પવિત્ર દિવસે પૂજ્ય લાલબાપુ સમા ગુરૂના આશીર્વાદ મેળવવાનો અવસર પ્રાપ્ત થયો છે, મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે ગુરુ પાસે માંગીને જશું અને આપવાનું થશે ત્યારે અમે આપી દેશું. છેલ્લા બે મહિનાથી સૌ સેવકો મહેનત કરતા હતા.  ગધેથડ આશ્રમમાં લાલબાપુએ સૌનો આભાર માન્યો હતો.  


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુરજી પાસે તમે અહીં જે કઈ માંગો, મનમાં માંગો કે અહીં માંગો! અમે પણ માંગીને જઈશું, પછી જ્યારે અમારો વારો આવશે આપવાનો ત્યારે અમે પરત આપી દેશું.  મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈએ કહ્યું કે, ‘મને બધા વડીલોએ આગ્રહ કર્યો હતો કે તમે આવજો, એટલું મારે આવવું પડ્યું છે. પરંતુ એકવાર તો અહીયા બધાએ આવવું જ જોઈએ. 


ગાયત્રી આશ્રમ સમગ્ર ગુજરાતમાં પ્રચલિત


દર વર્ષે લાખો ભક્તો ગુરુપૂર્ણિમાના પાવન દિવસે પૂજ્ય લાલબાપુના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. ગધેથડનો ગાયત્રી આશ્રમ સમગ્ર ગુજરાતમાં પ્રચલિત છે. 




વેણુનદી ડેમના કાંઠે ગધેથડ ગામમાં ગાયત્રી મંદિરનું નિર્માણકાર્ય તેમણે  શરુ કરાવ્યું હતું. વર્ષ 2014માં આ ભવ્ય મંદિરનુ કામ પૂર્ણ થયુ હતું. આ મંદિરના નિર્માણની એક ખાસીયત એ છે કે અહીં લોખંડનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. જયાં જરુર પડે ત્યાં તાંબુ અને ચાંદી જેવી ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિર નિર્માણ વિદ્ધિ વિધાનથી શુભ મુહૂર્તો દ્વારા કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રમાં અનેક એવી જગ્યાઓ છે જે ગુરુ દ્નારા સ્થાપિત કરવામાં આવી હોય અને તેમના તપને લઈને ખ્યાતિ ધરાવતી હોય.