વલસાડ: વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં એક પતિએ પોતાની જ પત્ની અને સાઢુભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે યુવકે ફરીયાદ નોંધાવી છે તેની પત્નીએ સાઢુભાઈના ખોળામાં 10 વર્ષના બાળકને બેસાડી અને કાર હંકારી સ્ટંટ કરતો વિડિયો બનાવ્યો હતો. આ સ્ટંટ કરતો વીડિયો સ્ટેટસમાં મુકવામાં આવ્યો હતો. પતિએ આ મામલે પત્ની અને તેના સાઢુની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.
પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
આ સમગ્ર અહેવાલ અંગે વાત કરીએ તો સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા જેનીશ રાઠોડે પારડી પોલીસ સ્ટેશનમાં પોતાની જ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં તેની પત્ની ખુશ્બુ અને તેમના સાઢુભાઈ નીરવ ચાવડા કાર લઈને દમણ ફરવા ગયા હતા. જ્યાં તેઓ તેમના 10 વર્ષના બાળકને પણ સાથે લઈ ગયા હતા.
વીડિયો સ્ટેટસ પર અપલોડ કર્યો
જોકે ત્યારબાદ વલસાડ જિલ્લાની હદમાંથી પસાર થતી વખતે પત્નીએ તેના 10 વર્ષના બાળકને સાઢુભાઈના ખોળામાં બેસાડી અને ત્યારબાદ કાર ચલાવતા હોવાનો સ્ટંટ કરતો વિડીયો રેકોર્ડ કર્યો હતો. રેકોર્ડ કરવામાં આવેલો આ વીડિયો સ્ટેટસ પર અપલોડ કર્યો હતો. જોકે 10 વર્ષનું બાળક મસ્તીમાં કાર ચલાવતું હોવાથી બાળકને અને સાથે કારમાં સવાર અન્ય લોકોના જીવને પણ જોખમ હોવાથી પત્ની અને સાઢુભાઈની આ બેદરકારી બદલ તેમને સબક શીખડાવવા પતિએ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પતી-પત્ની છેલ્લા 2 વર્ષથી અલગ રહે છે
પતિએ વિડીયો સાથે પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હવે આ મામલે ચકચાર મચી ગઈ છે. હાલ તો આ ફરિયાદ વલસાડ જિલ્લામાં ચર્ચામાં છે. આ સાથે મહત્વની બાબત એ પણ છે કે આ પતી-પત્ની છેલ્લા 2 વર્ષથી અલગ રહે છે અને બન્ને વચ્ચે હાલ બનતું નથી.
પતિએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં લખ્યું છે કે તમામ લોકોના જીવ જોખમમાં મૂકાય તે રીતે વીડિયો ઉતારીને તેને વોટ્સએપ સ્ટેટસ પર મૂક્યો હતો. આ પહેલા ફરિયાદ નહોતી કરી પછી પુત્રના ભવિષ્યનો પ્રશ્ન હોય ફરી આવુ કૃત્ય ન કરે તે હેતુથી ઘરના સભ્યો સાથે ચર્ચા કરી આ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial