પોરબંદર: પોરબંદરના કીર્તી મંદિર ખાતે યોજાયેલ પ્રાર્થના સભામાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપી હતી. કીર્તી મંદિર ખાતે યોજાયેલ પ્રાર્થના સભામાં ગાંધીજીના પ્રિય ભજનોનું ગાન કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યપ્રધાન વૈશ્ણવ જન તો તેને કહીયે ભજન સમયે પોતે પણ મગ્ન બની ગયા હતા.
પ્રાર્થના સભા બાદ માણેક ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી કરીને એક રેલી યોજાઇ હતી જેમાં શાળાના બાળકો સ્વચ્છતાના સંદેશ સાથે જોડાયા હતા તો કેટલાક બાળકોએ હાલ નવરાત્રીના ચાલતા પર્વને લઇને પોરબંદરનો પરંપરાગત મહેર મણિયારો રાસ પ્રદર્શિત કર્યો હતો.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દિપ પ્રાગટ્ય કરી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કર્યો અને પોતે પણ સુદામા મંદિર પટાંગણમાં સાવરણો લઇ સફાઇ કરી, ત્યારબાદ તેમણે સુદામા મંદિર ખાતે દર્શન કર્યા હતા.
આ કાર્યક્રમમાં કેન્દ્રીયપ્રધાન નરેન્દ્રસિંહ તોમર, ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝા, પ્રભારી મંત્રી જયંતીભાઇ કવાડીયા, કેબિનેટ પ્રધાન બાબુભાઇ બોખીરીયા, ભારત સરકારના સચિવ અને રાજય સરકારના સચિવો સહીતના નેતાઓ અને ઉચ્ચ અધિકારોએ ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી.