ધરમપુરઃકોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વલસાડના ધરમપુરમાં જન આક્રોશ રેલીને સંબોધન કરી ગુજરાતની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. રાહુલ ગાંધીએ સંબોધનમાં જનતાનો આભાર માન્યો હતો. રાહુલે 'એક તીર એક કમાન' 'જય જૌહાર કા નારા હૈ ભારત દેશ હમારા હૈ' અને ગુજરાતીમાં ચોકીદાર ચોર છે ના નારા લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ રાફેલને લઈને પણ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીની જન આક્રોશ રેલીમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાહુલ ગાંધીએ નોટબંધી, જીએસટી, રાફેલને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતુ.

રાહુલ ગાંધીએ કહ્યું, ગુજરાતની જનતાને ગર્વથી કહું છુ અમે ખેડૂતોનું દેણું માત્ર છ દિવસમાં માફ કર્યું છે. રાહુલે કહ્યું, ભારતમાલા પ્રોજક્ટ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તેનો વિરોધ નથી પરંતુ આદિવાસી સમાજ ન્યાય માંગે છે. ભાજપ સરકારે ખેડૂતો અને આદિવાસીઓને કચડવાનું કામ કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં કૉંગ્રેસે ખેડૂતોના દેવા માફ કર્યા છે.

રાહુલ ગાંધીએ જન આક્રોશ રેલીમાં કહ્યું, અમે આદિવાસીઓ માટે બીલ લાવ્યા, અમે આદિવાસી અને ખેડૂતોનું ન્યાય ઈચ્છી રહ્યા છીએ. જળ, જમીન અને જંગલ આદિવાસીઓનું છે જે તેમને મળવું જોઈએ. નોટબંધીને લઈને પણ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું, દિલ્હીમાં જો કૉંગ્રેસની સરકાર આવશે તો અમે સાચું જીએસટી લગાવીશું. નોટબંધીને લઈને રાહુલ ગાંધીએ કહ્યું, નોટબંધીની લાઈનમાં દેશના ગરીબ લોકો ઉભા હતા, નોટબંધી કરી પીએમએ દેશની અર્થવ્યવસ્થા બગાડી છે. રાહુલે પ્રદેશ કૉંગ્રેસના નેતાઓની ફરીયાદ કરી હતી. રાહુલે કહ્યું, તમે મને ગુજરાત વધારે બોલાવો. મને અહીંના લોકો ગમે છે, અહીનું જમવાનું ગમે છે.

રાહુલ ગાંધીએ વસડાના ધરમપુરમાં જન આક્રોશ રેલી સંબોધી તે લાલડુંગરીનું ગાંધી પરિવાર સાથે એક ખાસ કનેક્શન છે. અહીંથી શરૂ થતો ચૂંટણી પ્રચાર કોંગ્રેસને ફળતો હોવાની માન્યતા છે. આથી, કોંગ્રેસીઓ તો ગેલમાં આવી જ ગયા છે પરંતુ તેમની સાથે આદિવાસી પટ્ટીમાં ઉત્સાહનો માહોલ જણાઈ રહ્યો છે. વિતેલા સમયમાં ઈન્દીરા ગાંધી અને સોનિયા ગાંધી પણ લોકસભા ચૂંટણી પૂર્વે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત વલસાડના લાલડુંગરીથી કરતા આવ્યા છે. એવું માનવામાં આવે છે કે વલસાડની સીટ જે જીતે તેની કેન્દ્રમાં સરકાર બને છે.


રાહુલ ગાંધીના કાર્યક્રમમાં કાર્યકરોને લાવવા માટે કોંગ્રસ દ્વારા 29 બસોની માંગ કરવામાં આવી હતી. પરંતુ જીએસઆરટીસી દ્વારા છેલ્લી ઘડીએ બસ ન ફાળવવામાં આવતા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો હતો. એસટી વિભાગ દ્વારા લગ્ન પ્રસંગમાં બસો ફાળવી હોવાનું કારણ આપવામાં આવ્યું હતું. છેવટે સભામાં જંગી મેદની એકઠી કરવા ખાનગી બસો ભાડે કરવામાં આવી છે