SABARKANTHA : સાબરકાંઠા અને અરવલ્લીમાં કોન્ટ્રેક્ટ ફાર્મિંગથી બટેટા પકવતા ખેડૂતોએ  પ્રાંતિજ ખાતે એકઠા થઇ અલગ અલગ મુદ્દાઓ સાથે કંપનીઓ સામે બાયો ચડાવી છે. પોષણક્ષમ ભાવો અને ખેડૂતની જાણ બહાર થતી કપાત બાબતે કંપનીઓ સામે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. 


ગુજરાતના સ્થાનિકો મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલા છે અને એમાં પણ ઉત્તર ગુજરાતના ખેડૂતો સૌથી વધુ રવિ સિઝન દરમિયાન કોન્ટ્રેક્ટ આધારિત બટેટાનું વાવેતર કરી ઉત્પાદન કરતા હોય છે.  કોન્ટ્રેક્ટ ફાર્મિંગમાં કંપનીઓ કેટલીક બાબતોમાં ખેડૂતોને છેતરતી હોય છે.  જેને લઇ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ સંગઠિત થઈ કંપનીઓ સામે બાયો ચડાવી છે. 


કંપનીઓ વાવેતર પહેલા ખેડૂતો સાથે ભાવો અને અલગ અલગ મુદા સાથે કરાર કરતા હોય છે, જેમાં ખેડૂતોને ગત વર્ષે  180 થી 210 રૂપિયા પ્રતિ મણે ભાવ ચૂકવ્યા હતા. પરંતુ વધતી મોંઘવારી સામે આ ભાવો પોષાય એમ ન હોવાને લઇ હવે ખેડૂતો સંગઠિત થઈ કંપનીઓ પાસે પ્રતિ મણે 300 રૂપિયા કરતા વધુ ભાવોની માગ કરી છે.


એક તરફ ખેડૂતો કુદરત સાથે બાથ ભીડાવી ખેત ઉત્પાદન મેળવી રહ્યો છે તો બીજી તરફ વધતી મોંઘવારી અને પોષણ ક્ષમ ભાવો ન મળવાને લઈ આખરે ખેડૂતોને  નુકસાન થવાની ભીતિ સર્જાવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હવે ખેડૂતો સંગઠિત થઈ કંપનીઓ સામે બાયો ચડાવવાનું નક્કી કરી લીધું છે ત્યારે આજે એકઠા થયેલા ખેડૂતોએ કંપનીઓ સાથે પોતાના મુદ્દાઓ સાથે કરાર કરવા માટે શપથ લીધા છે.


પ્રતિ મણે 300 રૂપિયા કરતા વધુ ભાવો અને ઉત્પાદન બાદ જ્યારે વજન કરવામાં આવે ત્યારે થતી કપાત દૂર કરવા ખેડૂતોએ મન બનાવી લીધું છે અને જો કંપીઓ આ બાબતે જો સહમત નહીં થાય તો કંપનીઓ સાથે કરાર નહીં કરી બટાકા વાવણી  નહીં કરવાનું મન બનાવી લીધું છે.


એક તરફ ખેત વાવેટરથી લઇ ઉત્પાદ સુધીની પાયાની જરૂરિયાત એવા રાસાયણિક ખાતર,જંતુનાશકદવા,બિયારણ અને ડીઝલના ભાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. પરંતુ એની સામે ખેત ઉત્પાદનના ભાવો પોષણક્ષમ ન મળતા હોવાને લઇ ખેડૂતો સંગઠિત થયા છે,  ત્યારે હવે જો કરાર દરમિયાન 300 રૂપિયા પ્રતિ મણે ભાવ નહીં મળે તો ખેડૂતો કરાર આધારિત બટાકા પકવવાથી અળગા રહેશે.