બનાસકાંઠાની પાલનપુર પાલિકામાં ચૂંટણી પહેલા ઉમેદવારોની ખરીદીનો એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ઓડિયો ક્લીપ વાયરલ થતા જ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.


મંગળવારના ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે પાલનપુરમાં વૉર્ડ નંબર 10ના ભાજપના મહિલા ઉમેદવારના પતિ પાર્થ સારથી કૉંગ્રેસના ઉમેદવારને ત્રણ લાખ રૂપિયામાં ખરીદવાનો પ્રયાસ કર્યો અને આ ઓડિયો ક્લીપ વાયરલ થઈ ગઈ છે.

ઓડિયો ક્લીપમાં કૉંગ્રેસના મહિલા ઉમેદવારના સસરા હીરાભાઈ માજીરાને ભાજપના મહિલા ઉમેદવારના પતિ પાર્થ સારથી ફોર્મ પરત ખેંચવાની અને રૂપિયા આપવાની લાલચ આપી રહ્યા છે.

ઓડિયો ક્લિપ વાયરલ થતા જ પાલનપુર કૉંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલ મીડિયા સમક્ષ આવ્યા હતા. કૉંગ્રેસના ધારાસભ્યએ ભાજપ પર આરોપ લગાવ્યો કે બિલ્ડરો સાથે ભાજપ ધારાસભ્ય સાંઠગાંઠ કરી કોંગ્રેસના ઉમેદવારોને ખરીદી રહ્યા છે.