ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી મળતાં સવાલો પર ગુજરાતની જનતાને પ્રજાજોગ સંદેશ આપ્યો હતો. આ સંદેશમાં સીએમ રૂપાણીએ કહ્યું, રાજયમાં નોંધાયેલા કુલ કેસ પૈકી 60 ટકા કેસ અમદાવાદમાં છે. સુરત,વડોદરા અને અમદાવાદ શહેરમાં મળીને કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા70 ટકા છે. મુખ્યમંત્રીએ કહ્યું, તબ્લીગી જમાતથી આવેલા લોકોના કારણે ચેપ ફેલાયો છે. દિલ્હીની તબ્લિગી જમાતમાં ભેગા થયેલા લોકોએ ગુજરાત અને દેશમાં ચેપ ફેલાવ્યો છે.

મુખ્યમંત્રીએ લોકોને આશ્વાસન આપ્યું કે સરકારી હોસ્પિટલોમાં ઉત્તમ સારવાર આવપામાં આવી રહી છે. ગુજરાતમાં કોરોના મહામારીનો મૃત્યુ દર 3થી ચાર ટકા છે, રાજય કોરોના સામેની જંગ જીતશે તેવો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજયના હોટસ્પોટ વિસ્તારમાં ટેસ્ટીંગની સંખ્યામાં વધારો કરાયો છે.

સરકારી હોસ્પિટલમાં ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી હોવાનો વિજય રૂપાણીએ દાવો કર્યો છે. રાજયમાં વેંટીલેટરની અછત ઊભી નહી થાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ દર્દીને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેની તકેદારી સરકાર રાખી રહી છે.

કોરોના મહામારીના કપરા કાળમાં રાજયની જનતાની પડખે સરકાર ઊભી છે તેવો મુખ્યમંત્રીએ ભરોસો આપ્યો હતો. કોરોનાને મ્હાત આપવા માટે જનતા કોરોના વોરિયર્સ અને સરકારને સહકાર અને સહયોગ આપે તેવી અપીલ કરી હતી.