અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કેસનો આંકડો 108 પર પહોંચ્યો છે. પાટણ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. આ સાથે જ રાજ્યના 12 જિલ્લા કોરોનાગ્રસ્ત છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના 10 લોકોની જિંદગી ભરખી ચૂક્યો છે. તો 14 લોકો સારવાર બાદ સ્વસ્થ થઈ ચૂક્યા છે. હાલ 14 હજાર 520 લોકો હોમ ક્વોરોન્ટાઈન હેઠળ છે.

છેલ્લા 24 કલાકમાં જે 13 નવા કેસ નોંધાયા છે, તેમાં અમદાવાદમાં 7, ભાવનગર અને ગાંધીનગરમાં બે-બે, જ્યારે સુરત અને પાટણમાં એક-એક કેસ નોંધાયા છે.

પાટણમાં જે વ્યકિતને કોરોના થયો છે. તેની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. કારણ કે તેણે પોતાની ટ્રાવેલ હિસ્ટ્રીની વિગતો છૂપાવી હતી. સંક્રમિત દર્દીના 5 પરિવારજનોને પણ આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. અમદાવાદમાં આજે જે કેસ નોંધાયા છે તેમાનો એક વ્યક્તિ દિલ્લીના મરકઝમાં ગયો હતો.

સુરતમાં એક મહિલાને કોરોના પોઝિટિવ છે. તેનો પુત્ર મુંબઈથી આવ્યો હતો. મનાઈ રહ્યું છે કે તેના પુત્રથી માતાને કોરોનાની અસર થઈ હોઈ શકે.
જિલ્લા પ્રમાણે કુલ પોઝિટિવ કેસની વાત કરીએ તો શનિવાર રાત્રે 9 વાગ્યા સુધીમાં, અમદાવાદમાં સૌથી વધુ કોરોના વાયરસના 45 કેસ નોંધાયા છે. સુરત અને ગાંધીનગરમાં 13-13, રાજકોટમાં 10, વડોદરામાં 9, ભાવનગરમાં 9 , પોરબંદરમાં 3,  ગીરસોમનાથમાં 2 ,કચ્છમાં 01, મહેસાણામાં 01, પંચમહાલ,પાટણ અને કચ્છ જિલ્લામાં એક-એક કેસ નોંધાયા છે.

દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને  3072 પર પહોંચી છે. જ્યારે  અત્યાર સુધીમાં 75 લોકોનાં મોત થયા છે.  213 લોકો આ બીમારીમાંથી સાજા થયા છે.