Cyclone Asna: પૂર અને વરસાદ સામે ઝઝૂમી રહેલા ગુજરાત પર હવે ચક્રવાત અસનાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં એક દુર્લભ હવામાન ઘટનામાં શુક્રવારે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ પર અરબી સમુદ્રમાં ચક્રવાત રચાશે જે ઓમાનના દરિયાકાંઠે આગળ વધવાની ધારણા છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોને રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. તેમજ માછીમારોને આગામી કેટલાક દિવસો સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આગામી બે દિવસ સુધી ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠા તેમજ દરિયાઈ વિસ્તારોમાં 60-65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
80 વર્ષમાં ચોથી વખત આવું થવા જઈ રહ્યું છે. આ અરબી સમુદ્રમાં થશે પરંતુ તેની અસર સમગ્ર ગુજરાત પર પડશે. જેના કારણે હવામાનશાસ્ત્રીઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે. હાલમાં ગુજરાતમાં વરસાદ અને પૂરની ભયંકર સ્થિતિ છે. ડીપ ડિપ્રેશનના કારણે આવું બન્યું છે. હવે આ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાઈ રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 80 વર્ષમાં ચોથી વખત આવું થઈ રહ્યું છે. તે દુર્લભ છે કારણ કે જમીનની ઉપર હવામાન પ્રણાલી બની રહી છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. હવે આ સિસ્ટમના કારણે અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ રહ્યું છે. એટલે કે આ સિસ્ટમ સમુદ્રની ગરમી લઈને ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના વૈજ્ઞાનિક સોમા સેન રોયે જણાવ્યું કે આ પહેલા 1944, 1964 અને 1976માં આવું દુર્લભ હવામાન જોવા મળ્યું હતું. જ્યારે જમીન ઉપર એક્ટિવ ડીપ ડિપ્રેશન એટલે કે વેધર સિસ્ટમે અરબી સમુદ્રમાંથી ગરમી શોષીને વધુ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું. તે દરિયામાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું હતું.
હવામાન સિસ્ટમ જમીનથી સમુદ્ર તરફ આગળ વધી રહી છે
આ પહેલા હવામાન વિભાગે બુલેટિન દ્વારા એલર્ટ જાહેર કર્યું હતું કે જમીનની ઉપર ડીપ ડિપ્રેશન છે. એટલે કે જે વેધર સિસ્ટમ હેઠળ અત્યારે વરસાદ પડી રહ્યો છે. પૂર આવ્યું છે. આ ડિપ્રેશન સૌરાષ્ટ્ર અને કચ્છ પર હતી જે હવે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. તે પશ્ચિમથી દક્ષિણ-પશ્ચિમ તરફ જતી જોવા મળી રહી છે.
અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાશે
30 ઓગસ્ટે તે અરબી સમુદ્રના ઉત્તર-પૂર્વ ભાગમાં હશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર જોવા મળશે. આનો અર્થ એ થયો કે શુક્રવારે પણ ચક્રવાતી તોફાનના કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. આ પછી તે ધીમે ધીમે આગામી બે દિવસમાં પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધશે. ભારતીય દરિયાકાંઠો છોડીને તે પાકિસ્તાન તરફ જઈ શકે છે.