Cyclone Biparjoy Live Updates: વિનાશક વાવાઝોડું બિપરજોય પોરબંદરથી માત્ર 320 કિલોમીટર દૂર, 10 નંબરનું સિગ્નલ લગાવાયું

ગુજરાતના દરિયાકાંઠે હાલમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો વધ્યો છે

gujarati.abplive.com Last Updated: 12 Jun 2023 12:10 PM
વાવાઝોડાને પગલે કચ્છના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો હતો

વાવાઝોડાને પગલે કચ્છના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો હતો. કચ્છની તમામ શાળાઓ અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છમાં આગામી 13 જૂન થી 15 જૂન સુધી શાળા-કોલેજ બંધ રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમીક્ષા બેઠક યોજશે

બિપરજોય વાવાઝોડું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. જેને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 1 વાગ્યે ત પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજશે. સૂત્રોએ આ માહિતી આપી છે





કચ્છમાં 2 SDRF અને 2 NDRF ની ટીમ ફાળવવામાં આવી

વાવાઝોડુ કચ્છ જિલ્લામાં સૌથી વધુ અસર કરે તેવી સંભાવના છે. વાવાઝોડુ બિપરજોય માંડવી દરિયા કિનારે ત્રાટકે તેવી આગાહી કરાઇ છે. વાવાઝોડાને લઈને કચ્છમાં બચાવ કામગીરી માટે 4 ટીમો ફાળવવામાં આવી છે. કચ્છમાં 2 SDRF અને 2 NDRF ની ટીમ ફાળવવામાં આવી છે. એક SDRF અને એ NDRFની ટીમ નલિયા ખાતે તૈનાત કરાઇ હતી તો એક NDRF ની ટીમ માંડવી ખાતે તૈનાત કરવામાં આવી હતી. SDRFની 25 લોકોની 1 ટીમ આજે સવારે ભૂજ પહોંચશે. તે સિવાય ભૂજમાં SDRF ની ટીમને સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ અપાયો હતો. તે સિવાય SDRF અને NDRFની ટીમોએ દરિયાઈ વિસ્તારની મુલાકાત લીધી હતી.

અનેક બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા

વાવાઝોડાના રૌદ્ર રુપને જોતા ગુજરાતના અનેક બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જેમાં કંડલા, પોરબંદર, ઓખા બંદર અને મોરબીના નવલખી બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મુંદ્રા, માંડવી બંદર પર પણ નવ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 

સૌરાષ્ટ્રના બંદરો પર ભયજનક સિગ્નલ લગાવાયા

વાવાઝોડાનો ખતરો વધતા સૌરાષ્ટ્રના બંદરો પર ભયજનક સિગ્નલ લગાવાયા હતા. દ્વારકા, ઓખા, પોરબંદર, નવલખી સહિત 9 જેટલા બંદર પર નવ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું.

માંગરોળમાં કાચી દિવાલોને પણ નુકસાન

જૂનાગઢના માંગરોળના દરિયામાં ઉંચા મોજા ઉછળ્યા હતા. અનેક ઠેકાણે કાચા છાપરા ઉડ્યા હતા. માંગરોળમાં કાચી દિવાલોને પણ નુકસાન થયું છે. જામનગરમાં પણ ભારે પવન સાથે વરસાદી માહોલ છે. દરિયામાં પણ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ભારે પવનને લીધે દરિયાકાંઠે લોકોને ન જવાની સૂચના આપવામાં આવી છે.

માધવપુરનો દરિયો પણ તોફાની બન્યો

પોરબંદરનો માધવપુરનો દરિયો પણ તોફાની બન્યો હતો. બિપરજોય તોફાનના કારણે માધવપુરનો દરિયો તોફાની બન્યો છે. માધવપુર દરિયા કિનારે ભારે પવન ફૂકાઈ રહ્યો છે.

કચ્છમાં દરિયા કિનારાના વિસ્તારમાં કલમ 144 લાગુ

વાવાઝોડા બિપરજોયને લઈ કચ્છમાં દરિયા કિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. 12 જૂનથી 16 જૂન સુધી કલમ લાગુ રહેશે

વાવાઝોડાના ખતરાને પહોંચી વળવા માટે સરકાર એક્શનમાં

વાવાઝોડાના ખતરાને પહોંચી વળવા માટે સરકાર એક્શનમાં મોડમાં આવી છે. વાવાઝોડાને પગલે ગુજરાત સરકારના બે મંત્રી અને એક કેન્દ્રીય મંત્રીને કચ્છની જવાબદારી સોંપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, રાજ્ય કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, કચ્છના પ્રભારી પ્રફુલ પાનશેરિયાને કચ્છ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.

સર્પાકાર આકારે ગુજરાત તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સર્પાકાર આકારે ગુજરાત તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું 5 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી

બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન વિભાગે  ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ વાવાઝોડું પાંચ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડુ પોરબંદર થી 380 કિલોમીટર દૂર છે. 15 જૂનના બપોરે આ સીવિયર સાયકલોનની સ્પીડ 125 થી 135 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. 

બ્રેકગ્રાઉન્ડ

ગુજરાતના દરિયાકાંઠે હાલમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો વધ્યો છે. 14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાને પગલે કેન્દ્રિય ગૃહ મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી હતી. ગુજરાત સહિત દરિયાકાંઠાના રાજ્યો માટે કેન્દ્રની એડવાઈઝરી જાહેર કરી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં વાવાઝોડાને લઈને કચ્છ-સૌરાષ્ટ્ર માટે યલો એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે.


એડવાઇઝરીમાં વાવાઝોડાના પગલે 14 જૂને સવારે સૌરાષ્ટ્ર અને કચ્છને ક્રોસ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાવાઝોડાને પગલે દ્વારકા,  કચ્છ, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢમાં અતિભારે વરસાદની આશંકા છે. એડવાઇઝરીમાં કચ્છમાં નુકસાન થવાની આશંકા વ્યક્ત કરાઈ છે. વાવાઝોડાને કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ જવાની આશંકા વ્યક્ત કરાઇ છે.


ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય વાવાઝોડું 5 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડુ પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં 360 કિ.મી, દેવભૂમિ દ્વારકાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 400 કિ.મી, કચ્છના નલિયાથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં 490 કિ.મી દૂર છે.


હવામાન વિભાગના મતે 15 જૂને બિપરજોય વાવાઝોડુ કચ્છના માંડવી પાસે વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. દરમિયાન પવનની ગતિ 125થી 135 કિમી પ્રતિ કલાકની રહેશે. વાવાઝોડાની સૌથી વધુ અસર સમગ્ર કચ્છ જિલ્લામાં થશે. કચ્છની સાથે સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં વાવાઝોડાની વિનાશક અસર થશે. જામનગર, મોરબી, પોરબંદર, દ્વારકા, જૂનાગઢમાં પણ વાવાઝોડાની અસર જોવા મળશે.


બિપરજોય વાવાઝોડુ 15 જૂને કચ્છના માંડવી અને કરાંચી વચ્ચે ટકરાશે. વાવાઝોડુ લેન્ડ ફોલ થશે ત્યારે તે વિસ્તારમાં 125 થી 135 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.  કચ્છ, દ્વારકા અને જામનગરમાં વાવાઝોડાની વધુ અસર થશે. ભારે પવન, વીજળી સાથે અતિ ભારે વરસાદ પડશે. 14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  ભારે પવનથી વૃક્ષો પડવાની શક્યતા હોવાથી પ્રભાવિત વિસ્તારના લોકોએ ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.  રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડશે. આ સાથે જ 30 થી 35 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે.  


વાવાઝોડાને પગલે પોરબંદર-ઓખાથી એક હજાર 250 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દ્વારકા, પોરબંદર, કચ્છમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. જૂનાગઢ, જામનગરમાં પણ NDRFની ટીમ તૈનાત કરાઇ હતી. SDRFની 17 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વાવાઝોડાની સ્થિતિને લઈને ગાંધીનગરથી સતત મોનિટરિંગ કરાઇ રહ્યું છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.