Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાના અસર હજુ પણ દરિયાકાંઠે જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ મોરબીના નવલખી બંદર ખાતે દરિયાનું પાણી આગળ વધ્યું છે. ૧ કિમી વિસ્તારમાં આવેલ જુમાવાડી વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસ્યા છે. હાલમાં પવન તેજ ગતિએ ફૂકાઈ રહ્યો છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. દરિયો ૫ કિમી જેટલો વધારે આગળ આવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. દરિયા કિનારે પવનની ગતી તેજ જોવા મળી રહી છે અને ધીમીધારે વરસાદ પણ પડી રહ્યો છે. બિપરજોય વાવાઝોડાને પહોંચી વળવા મોરબી તંત્ર દ્વારા 4 સબ સેન્ટર  શરુ કરવામાં આવયા હતા. ત્રણ દિવસમાં 13 હજાર લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. 


 



રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ


વાવાઝોડા અંગે હવામાન વિભાગે પ્રતિક્રિયા આપી છે.  રાત સુધીમાં વાવાઝોડું ડિપ્રેશનમાં બદલાશે, ડિપ્રેશન બનતા સમય લાગે તો આવતીકાલ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.  કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.  ત્રણ કલાક વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.  કાલે સવાર બાદ કચ્છને રાહત મળી શકશે.  અમદાવાદમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદી માહોલ રહેશે. 


આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી,  પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  પવનની ગતિ 41 થી 61 પ્રતિ કલાક રહેશે.  ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે.  


બનાસકાંઠા,  મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર,અમરેલી  જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દિવ, મહીસાગર , પંચમહાલ, વડોદરા, સુરત , ડાંગ, ભરૂચ,રાજકોટ  નવસારી,વલસાડ , દમણ,  દાદારનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  


પવન ગતિ 40 કિલો મીટર પ્રતિકલાકની આગાહી કરવામાં આવી છે.  અરવલ્લી , દાહોદ,નર્મદા,તાપી,છોટાઉદેપુરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  અહિં પવન ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. 





નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગમાં વાવાઝોડાએ તબાહી મચાવી


દ્વારકા જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની જોરદાર અસર જોવા મળી છે. દ્વારકા જિલ્લામાં આજે સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.  દ્વારકાથી 20 કિલોમીટર દૂર નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગમાં વાવાઝોડાએ તબાહી મચાવી છે. મંદિરના ગર્ભગૃહ સુધી પાણી પહોંચ્યા છે. જ્યોર્તિર્લિંગની આસપાસ અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.  મંદિરની બહાર રહેલી દુકાનોથી લઈને મંદિરની અંદર સુધી તબાહી જોવા મળી રહી છે. શનિ મંદિર, હનુમાન મંદિર પણ ક્ષતિગ્રસ્ત થયા છે, જો કે મૂર્તિઓને નુકશાન નથી થયું. મંદિરના પ્રાંગણમાં 40 વર્ષ જૂના વૃક્ષો ધરાશાયી થયા છે.  બિપરજોય વાવાઝોડાએ દ્વારકા જિલ્લામાં ખૂબ જ નુકશાન કર્યું છે.