નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં એક નવું વાવાઝોડું બુલબુલ આકાર લઈ રહ્યું છે. જ્યારે અરબ સાગરમાં ઉભું થયેલ મહા વાવાજોડું વધારે શક્તિશાળી થઈ ગયું છે. ગુજરાતમાં ભાર વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે માછીમારોને સમુદ્રમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતના કેટલાક ભાગમાં 6થી 8 નવેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર, મહા વાવાઝોડાને કારણે ઉત્તર કોંકણ અને ગુજરાતમાં તોફાન સાથે ભારે વરસાદ પડી શકે છે.

12 જૂને ગુજરાતમાં વાયુ વાવાઝોડું ત્રાટક્યું હતું. ત્યારબાદ હિક્કા અને ક્યાર પછી હવે ‘મહા’વાવાઝોડું આવી રહ્યું છે. ઓમાને વાવાઝોડાને ‘મહા’નામ આપ્યું છે. હવે પછી જે વાવાઝોડું સક્રિય થઇ રહ્યું છે તેનું નામ સંભવિત નામ ‘બુલબુલ’હશે. આ વાવાઝોડાનું નામ પાકિસ્તાને આપ્યું છે. 8 દેશોએ વાવાઝોડાના કુલ 64 નામ આપ્યા છે. 2004માં વાવાઝોડાના નામ આપવાની પરંપરા શરૂ થઈ હતી. વાવાઝોડાને એક નામ આપ્યા બાદ પછીના 10 વર્ષ સુધી એ નામનો ઉપયોગ થતો નથી!

હવામાન વિભાગે એવી જાહેરાત કરી છે કે 6 નવેમ્બરની રાતથી 7મીની સવાર સુધીમાં પોરબંદરથી દીવ વચ્ચેના દરિયાકિનારાના વિસ્તારમાં ત્રાટકશે. જો કે એક શક્યતા એવી પણ છે કે 6 તારીખે જ ‘મહા’ દરિયામાં સમાઈ જશે. આ અંગે બે કારણો દર્શાવતા હવામાન વિભાગના સૂત્રો જણાવે છે કે ઉત્તરીય પવનો કે જે ઠંડા અને સૂકા હોય છે તે વાવાઝોડાં સાથે ટકરાતા ‘મહા’ના વેગને અટકાવશે.

આ ઉપરાંત બંગાળના ઉપસાગરમાં એક નવું સાયકલોન તૈયાર થઇ રહ્યું છે. હાલના તબક્કે માત્ર હળવું દબાણ સર્જાયું છે. આગામી 48 કલાકમાં તે વાવાઝોડું બની જશે. હવામાન વિભાગ તેને ‘બુલબુલ’ નામ આપે તેવી શક્યતા છે. જો બુલબુલ સક્રિય થશે તો ‘મહા’ની તાકાતનો થોડો ભાગ પોતાના તરફ અંકે કરશે. આમ ઉત્તરીય ઠંડા સૂકા પવનો અને બુલબુલની ભાગબટાઈથી મહા વાવાઝોડું 6 નવેમ્બરે નબળું પડશે અને દરિયામાં જ વિખેરાઈ જવાની પૂરી સંભાવના છે.