અમદાવાદઃ વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટો ખતરો ટળી ગયો હોય એવું લાગે છે. વાયુ વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠા પર નહીં ટકરાય પરંતુ ત્યાંથી માત્ર પસાર થઈને નીકળી જશે.

હવામાન વિભાગ મુજબ, આ વાવાઝોડુ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાને અસર કરશે. આ દરમિયાન વાવાઝોડું પ્રતિ કલાક 135-145 કિલો મીટરથી લઈ 160 કિલો મીટરની ઝડપે પવન ફુંકાશે.

હાલ આ વાવાઝોડું વેરાવળથી 110 કિલો મીટર અને પોરબંદરથી 150 કિલો મીટર દૂર છે. આ સિવાય વાવાઝોડાની સાથે સાથે ભારે વરસાદ પણ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ગુજરાત પર 15 જૂન સુધી વાવાઝોડાની અસર જોવા મળી શકે છે.

મધરાત બાદ વાવાઝોડાંનો રૂટ બદલાયા બાદ આ વાવાઝોડાની સોમનાથ, પોરબંદર, દ્વારકા પર અસર જોવા મળશે. પરંતુ ગુજરાતને ટકરાશે નહીં. જો કે વાવાઝોડુ રાજ્યમાં લેન્ડ ફોલ થવાને બદલે માત્ર અસર કરીને જતુ રહેશે.