અમદાવાદઃ વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટો ખતરો ટળી ગયો હોય એવું લાગે છે. વાયુ વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠા પર નહીં ટકરાય પરંતુ ત્યાંથી માત્ર પસાર થઈને નીકળી જશે. જોકે તેની અસર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં જોવા મળશે. વાવાઝોડાને પગલે ટ્રેન, ફ્લાઈટ અને બસ સેવાના પણ અસર થઈ છે.


ડોમેસ્ટિક ટુ જેટ અને એયર ડેક્કનની તમામ વિમાની સેવા રદ્દ કરી દેવામાં આવી છે. અમદાવાદથી સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં જતી ફ્લાઈટો રદ કરવામાં આવી છે. ત્યારે પોરબંદર, દિવ, કંડલા, મુંદ્રા, ભાવનગરની વિમાની સેવા રદ્દ કરી દેવામાં આવી છે.

બીજી બાજુ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં જતી ટ્રેનના રૂટને ટુંકાવી દેવામાં આવ્યા છે. ખાસકરીને વેરાવળ, ઓખા, પોરબંદર, ભૂજ જનારી ટ્રેનોને સુરેન્દ્નગર, રાજકોટ અને અમદાવાદ સુધી ટુંકાવી દેવામાં આવ્યા છે. વાયુ વાવાઝોડાને લઈને રિલિફ ટ્રેન ચાલુ કરવાનુ પણ પશ્ચિમ રેલવે દ્વારા આયોજન કરાયુ છે. આ રિલિફ ટ્રેન ઓખા-રાજકોટ, ઓખા-અમદાવાદ, વેરાવળ-અમદાવાદના રૂટની હશે. તંત્ર દ્વારા અંદાજે 70 જેટલી ટ્રેનને રદ કરાઈ છે જ્યારે 28 ટ્રેનના રૂટ ટૂંકાવી દેવામાં આવ્યા છે.

વાવાઝોડાને લઈને રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે ત્રણ દિવસ સુધી તમામ બસ સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સોમનાથ,દીવ, વેરાવળ, દ્વારકા, પોરબંદર સહિતના વિસ્તારો જાણીતા યાત્રાધામ છે. જ્યાં માત્ર ગુજરાત જ નહી સમગ્ર દેશમાંથી યાત્રાળુઓ આવતા હોય છે. ત્યારે પ્રવાસીઓ, યાત્રાળુઓને નુકશાન ન થાય તે માટે તંત્ર સજ્જ છે.