અમદાવાદ:  ચોમાસાના આગમન પહેલા વધુ એક વાવાઝોડાનું સંકટ સામે આવ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે 26 મેથી 4 જૂન વચ્ચે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે. જેની ઝડપ 120 કિલોમીટર રહેવાની શક્યતા છે. જેની અસર ગુજરાતમાં જોવા મળશે. 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ પડશે. પશ્ચિમ બંગાળ અને પૂર્વી ભારતના ભાગોમાં ચક્રવાતની અસરથી ભારે વરસાદને પગલે પુર આવવાની શક્યતાઓ  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 


અરબસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા


આગામી 24 મે સુધીમાં અંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થશે. જૂન મહિનાની શરૂઆતમાં અરબસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. જો આ ચક્રવાત ઓમાન તરફ ફંટાશે નહિ તો દેશના પશ્ચિમ કિનારાના ભાગો દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં તેની અસર જોવા મળશે અને વરસાદ લાવશે.  જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની સંભાવના છે.




ભારે વરસાદની સંભાવના


ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ-પશ્વિમ બંગાળની ખાડીમાં 22 મે આસપાસ લો પ્રેસર સર્જાશે.  24 મેની આસપાસ બંગાળની ખાડીની મધ્યમાં તે ડીપ્રેશનમાં ફરેવાય તેવી શક્યતા છે.  જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં 27 મે આસપાસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે હજુ સુધી આ માટે કોઈ સ્પષ્ટ આગાહી હવામાન  વિભાગે કરી નથી. 


જો કે બીજી તરફ હવામાન વિભાગે 24 કલાકમાં બંગાળની ખાડીમાં તથા આંદામાન, નિકોબાર ટાપુઓમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધવાની આગાહી કરવામાં આવી છે. દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.


ગુજરાતમાં પણ છેલ્લા ઘણા દિવસોથી અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે રાજ્યના ખેડૂતો ચિંતિત છે. ખેડૂતોને આ કમોસમી વરસાદથી પાકને મોટાપાયે નુકસાન થયું છે. કેરીના પાકને ખૂબ જ મોટાપાયે અસર થઈ છે. કેરીના રસીકોએ આ વખતે કેરી ખાવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. 


રાજ્યના સાત શહેરોમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. જેમાં કચ્છ, જૂનાગઢ, ભાવનગર, બનાસકાંઠામાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે.  રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન (Weather) 44ને પાર કરી ગયું છે. ધોળકા, નડીયાદમાં તાપમાન (Weather)નો પારો 45ને પાર થયો છે. સુરેન્દ્રનગર, ડીસામાં તાપમાન (Weather)નો પારો 45 ડિગ્રીને પાર થયો છે.