ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 29 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 175 પર પહોંચી છે. કોરોના વાયરસના કારણે આજે વધુ બે લોકોના મોત થતા ગુજરાતમાં મૃત્યુઆંક 14 પર પહોચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 25 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી 4 દર્દી વેન્ટીલેટર પર છે. 14 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે.



ગુજરાતમાં અમદાવાદ કોરોના વાયરસ સૌથી વધુ પ્રભાવિત છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 83 લોકો કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે. જેમાંથી 15 દર્દી ધરાવે છે વિદેશ હિસ્ટ્રી. લોકલ ટ્રાંસમિશનથી ચેપ લાગ્યા હોય તેવા 41 દર્દીઓ છે.

અત્યાર સુધીમાં રાજ્યના 33 જિલ્લામાંથી 17 જિલ્લામાં કોરોનાના દર્દીઓ નોંધાયા છે. આજે બપોર બાદ અમદાવાદમાં 6, રાજકોટમાં એક અને સુરતમાં ત્રણ નવા પોઝિટિવ કેસ સામે આવતા રાજ્યમાં કોરોનાના 29 દર્દી નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોનાના કુલ 175 દર્દી થયા છે.