Banaskantha News: બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પરથી મેથામ્ફેટામાઇન નામનું ડ્રગ્સ ઝડપાયું છે. અમીરગઢ પોલીસે રૂટીંગ વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતી ક્રેટા ગાડીમાંથી એક કરોડથી વધુનું 1072 ગ્રામ જેટલું મેથામ્ફેટામાઇન નામનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. અમીરગઢ પોલીસે ગાડી સહીત 1 કરોડ 16 લાખ 49 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ગાડીમાં સવાર 3 લોકોની અટકાયત કરી હતી. અમીરગઢ પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબટેન્સિસ એક્ટર મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જીજે-10-ડીજે-3448 નંબરની ક્રેટા કાર રાજસ્થાનથી આવતી હતી ત્યારે ગુજરાતની બનાસકાંઠા ચેક પોસ્ટ પર રોકવામાં આવી હતી. જે બાદ તલાશી લેતાં ડ્રગ્સ મળી આવ્યું હતું. . 1 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણેય લોકો જામનગરના હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સનો આ જથ્થો કોને આપવાનો હતો તેને લઈ પોલીસ દ્વાર હાલ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે.