વરસાદના કારણે જૂનાગઢના કેશોદ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો જથ્થો પલળી ગયો હતો. કેશોદ માર્કેટયાર્ડમાં વરસાદના કારણે આશરે 2000 બોરી પલળી ગઈ હતી. મગફળી ઢાંકવા માટે લાવવામાં આવેલી તાડપત્રી પણ ટૂંકી પડી હતી. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હોવા છતાં કોઈ આગોતરું આયોજન ન કરવામાં આવતા મગફળીનો જથ્થો પલળી ગયો હતો.
કેશોદ ઉપરાંત માણાવદરના યાર્ડમાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીનો મોટો જથ્થો કમોસમી વરસાદમાં પલટી ગયો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. પોરબંદરના કુતિયાણામાં મોડી સાંજે વરસાદી ઝાપટું આવતા જગતના તાતની હાલત કફોડી બની હતી.
એક તરફ વરસાદના રાહત પેકેજ અને વીમા કંપનીઓની ધીમી કામગીરીથી ખેડૂતો પીડાઈ રહ્યા છે, તેવામાં ફરીથી કમોસમી વરસાદથી જગતના તાતના હાલ બેહાલ થયા છે. જે ખેડૂતોએ રવિ પાકની વાવણીની તૈયારી કરી છે તેઓ પણ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે.
હવામાન વિભાગના ડાયરેટર ડો.જયંત સરકારે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં લો-પ્રેશર અને દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં વેલમાર્ક એમ બે લો-પ્રેશર સક્રિય છે. હાલમાં અમદાવાદ સહિત ગુજરાતનાં મોટાભાગના શહેરોમાં ઠંડા પવનથી ભેજ વધતાં ઠંડક વધી છે. 4 અને 5 ડિસેમ્બરે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ અને જૂનાગઢમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે.