પાટણઃ ગુજરાત રાજય લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ ના કર્મચારી મંડળ દ્વારા અપાયેલા આદેશ અન્વયે કર્મચારીઓની વિવિધ માગણીઓ સંદર્ભે સોમવારથી શનિવાર સુધી જિલ્લા મથક પર કર્મચારીઓ દ્વારા પ્રતિક ઉપવાસના કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. અગાઉ વર્ગ-૩ ના કર્મચારીઓએ કાળીપટ્ટી બાંધી સરકારી કામગીરી સામે વિરોધ નોંધાવ્યા બાદ સોમવારથી સમગ્ર રાજ્યમાં આ કર્મચારીઓ પ્રતિક ઉપવાસ પર બેઠા હતા.  લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ ના કર્મચારીઓ ૨૯ ડિસેમ્બર ૨૦૧૮ સુધી પ્રતીક ઉપવાસ પર બેસશે. જે અનુસાર રોજ પાંચ કર્મચારીઓ પ્રતિક ઉપવાસના કાર્યક્રમમાં જોડાશે. જો ત્યારબાદ પણ સરકાર તેમની માંગણીઓને સ્વીકારશે નહી તો  ૩૦ ડિસેમ્બરના રોજ સામુહિક માસ સીએલનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

કર્મચારીઓના કહેવા પ્રમાણે,  પ્રમોલગેશનની કામગીરી સરકારે પ્રાઇવેટ એજન્સીને આપેલ હતી. જે કામગીરીથી સમગ્ર રાજયની માપણીમાં મોટી ખામીઓ રહી ગઇ હતી અને જેને કારણે ખેડૂતોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. હવે તે તમામ સુધારાઓ વર્ગ-૩ ના કર્મચારીઓ પર દબાણ ઉભું કરીને સરકાર કામગીરી કરાવવા માંગે છે. જે કામગીરી સ્કેલ મુજબ પુરી કરવામાં ઘણો સમય લાગતો હોવાના કારણે ખેડૂતો પણ ત્રસ્ત થઇ ગયા છે અને અનેક ફરિયાદો ઉઠી છે. જેથી રીસર્વેની કામગીરીનો પાંચ ગણો લક્ષ્યાંક અપાયો છે, જે સ્કેલ મુજબ કામગીરી થઇ શકે તેમ નથી.

તે સિવાય કર્મચારીઓની માંગણી છે કે કર્મચારીઓના ઉચ્ચતર પગાર ધોરણ, ગ્રેડ પે સુધારો, સર્વેની જગ્યાએ ટેકનીકલ પગાર ધોરણ સુધારો કરવામા આવે. કર્મચારીઓએ ધમકી આપી હતી કે આ માગણીઓ ન સંતોષાય ત્યાં સુધી લેન્ડ રેકર્ડઝ કર્મચારી મંડળ દ્વારા ઉપવાસ, માસ સીએલ અને હડતાળના કાર્યક્રમો આપવામાં આવશે.

સરકાર દ્વારા એજન્સી મારફત કરાવાયેલી જમીન રિસર્વેની કામગીરીમાં અસંખ્ય ભૂલો રહી જતાં તે સુધારવા માટે લેન્ડ રેકર્ડ કચેરીના સર્વેયર, સિનિયર સર્વેયર, હેડક્લાર્ક, શિરસ્તેદાર, હેડ ક્વાર્ટર આસીસ્ટન્ટ જેવા વર્ગ-૩ના કર્મચારીઓ પર સતત દબાણ થઈ રહ્યું છે. કર્મચારીઓના મતે એજન્સીએ રિસરવેની કામગીરીમાં ૫૦ ટકાથી વધુ ભુલો કરી છે. રિસરવે મેન્યુઅલની જોગવાઈ મુજબ ૫૦ ટકાથી વધુ ભૂલો હોય તો રિસરવે રદ કરવો જોઈએ. પરંતુ રિસરવે રદ કરવાના બદલે તે સુધારવા કર્મચારીઓ પર દબાણ થઈ રહ્યું છે.