મુંબઇઃ સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં તમામ 22 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. સેન્ટ્રલ બ્યૂરો ચીફ (CBI)ની એક સ્પેશિયલ કોર્ટ 13 વર્ષ પછી આ કેસના તમામ 22 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, જે પુરાવા અને સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા છે તે કોઇ કાવતરા કે હત્યાને સાબિત કરવા માટે પુરતા નથી. તે સિવાય કોર્ટે કહ્યું કે, પરિસ્થિતિ અનુસાર જે પણ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે તે તેને સાબિત કરી શકતા નથી. તે સિવાય તુલસીરામ પ્રજાપતિની હત્યા કાવતરુ ઘડી કરવામાં આવી હોય તે વાત પણ ખોટી છે.

કોર્ટે કહ્યું કે, સીબીઆઇ દ્ધારા રજૂ કરવામાં આવેલા પુરાવા પુરતા નથી. કોર્ટના મતે આ પુરાવા એ સાબિત કરી શકતા નથી કે સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિની હત્યા કોઇ કાવતરુ કરીને કરવામાં આવી હોય. કોર્ટે કહ્યું કે, સીબીઆઇ એ વાત સાબિત કરી શકી નથી કે પોલીસે સોહરાબુદ્દીનને હૈદરાબાદથી અપહરણ કર્યું હતું. આ વાતના કોઇ પુરાવા નથી. સરકાર અને એજન્સીઓએ આ કેસની તપાસ કરવામાં ખૂબ મહેનત કરી છે અને 210 સાક્ષીઓ રજૂ કર્યા હતા પરંતુ કોઇ પણ પ્રકારના પુરાવા સામે આવ્યા નથી.

સીબીઆઇની વિશેષ અદાલતના જજ એસજે શર્માએ પોતાના આદેશમાં કહ્યું કે, અમને એ વાતનું દુખ છે કે ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પરંતુ કાયદો અને સિસ્ટમને કોઇ આરોપને સિદ્ધ કરવામાં પુરાવાઓની જરૂર હોય છે. સોહરાબુદ્દીન શેખનું એન્કાઉન્ટર 2005માં થયું હતું. આ કેસની તપાસ પહેલાં ગુજરાતમાં ચાલતી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે, ગુજરાતમાં આ કેસને પ્રભાવિત કરવામાં આવી રહ્યો છે. તેથી 2012થી આ કેસને મુંબઈ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો. અગાઉ કોર્ટે 16 જણાને પુરાવાના અભાવે મુક્ત કરી દીધા હતા.