ચોમાસુ શરૂ થતાની સાથે જ મેઘમહેર થતી હોય છે.અને ધરતીપુત્રોમાં આનંદ જોવા મળતો હોય છે. પંરતુ આ વર્ષે જાણે કુદરત રૂઠ્યો હોય તેમ વરસાદ મન મૂકીને નથી વરસ્યો જેને કારણે ખેડૂતોના વાવેલા પાક સુકાઈ રહ્યા છે. જેથી સરકારે ખેડૂતોના હિતમાં સિંચાઈનું પાણી આપવાનું નક્કી કર્યું છે.


રાજકોટ જિલ્લામાં સિંચાઈ વિભાગ અંતર્ગત 20 ડેમો આવેલા છે. જોકે આ અંગે રાજકોટના કાર્યપાલક એક્ઝિક્યુટિવનું કહેવું છે કે  20માંથી 11 ડેમ જ એવા છે કે જેમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શકાશે. આ 11 ડેમોમાં જ હાલ પાણી છે જેથી પીવાના પાણીનો જથ્થો અનામત રાખી અન્ય પાણીનો જથ્થો સિંચાઈ માટે છોડવામાં આવશે. સરકારની આ જાહેરાતથી ખેડૂતોને પોતાનો પાક બચશે તેવી આશા જાગી છે. જોકે સરકારની આ જાહેરાત બાદ પણ કેટલાક ખેડૂતો હજુ પણ ચિંતામાં છે જાહેરાત તો થઈ ગઈ પરંતુ તેમના ખેતર સુધી પાણી ક્યારે પહોંચશે.


બનાસકાંઠાના ખેડૂતો પરેશાન


ચોમાસીની સીઝનમાં વરસાદે હાથ તાળી આપતા હવે ખેડૂતોની હાલત કફોડી બની છે. સારા વરસાદની આશાએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ વાવેતર તો કર્યું. પણ વરસાદ ન પડતા મહામુલો પાક સુકાઈ જવાની સ્થિતિ ઉભી થઈ છે. બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓ વરસાદ આધારિત છે. ખેડૂતો વરસાદની આશાએ વાવેતર કરે છે. જો કે ખેડૂતોએ પાક વાવ્યા બાદ મહિનો થઈ ગયો પણ વરસાદ ન પડતા પાક મુરજાવા લાગ્યો છે. એવામાં પિયતના બીજા સ્ત્રોત તરીકેના ત્રણ ડેમ પણ તળિયાઝાટક હોવાથી પાણી માટેનો કોઈ વિકલ્પ બચ્યો નથી. થોડા દિવસમાં જો વરસાદ નહીં આવે તો કરેલી વાવણી નિષ્ફળ જશે.


બનાસકાંઠામાં 5 લાખ 46 હજાર હેક્ટરમાં બાજરી, જુવાર, મગફળી અને ઘાસચારા સહિતનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. અને અત્યારસુધીમાં જિલ્લામાં માત્ર 28 ટકા જ વરસાદ પડ્યો છે. ત્યારે નજીકના દિવસોમાં વરસાદ નહીં પડે તો રાત-દિવસ ખેડૂતોએ કરેલી મહેનત પાણીમાં જશે.