અમદાવાદઃ સમી તાલુકાના ગુજરવાડા ગામે કાળજુ કંપાવી જાય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સિંઘવ નાળોદા પરિવારની એક મહિલા અકસ્માતે ઘરની પાછળ બનેલા શૌચાલયના કૂવામાં પડી ગઈ હતી. તેમની બૂમાબૂમ સાંભળ્યા બાદ તેમના પતિ તેમને બચાવવા પડયા હતા. બાદમાં પરિવારના અન્ય ચાર સભ્યો પણ બંને પતિ પત્નિને બચાવવા કૂદી પડયા હતા. જેમાં પતિ પત્નિ સહિત પાંચના મોત થયા છે. જ્યારે એકને બચાવી લેવામાં તબીબોને સફળતા મળી છે.

સમીના ગુજરવાડા ગામે રહેતા સિંધવ રંજનબેન રતાભાઈ (ઉ.વ. 40) તેમની ઘરની પાછળ આવેલ શૌચાલયમાં શૌચક્રિયા કરવા જઈ રહ્યા હતા. ત્યારે શૌચાલયની પાસે બનેલા શૌચ કૂવામાં અકસ્માતે માટી ધસતા પડી ગયા હતા. અંદર પડી ગયા બાદ તેમણે બૂમાબૂમ કરી હતી. જેથી તેમના પતિ સિંધવ રતાભાઈ તેઓ પણ શૌચ કૂવામાં કૂદી પડયા હતા પરંતુ અંદર પડયા બાદ ગેસના લીધે ગુંગણામણ વધારે હોવાથી બંને પતિ પત્નિએ બૂમાબૂમ કરતા આસપાસ રહેતા પરિવારના અન્ય સભ્યો સિંધવ જામાભાઈ ગગજીભાઈ, રતાભાઈ જલાભાઈ, ચેહાભાઈ રાજાભાઈ પચાણભાઈ તથા ગગજીભાઈ પણ વારાફરતી કૂવામાં પડયા હતા. જેમાં એક વ્યક્તિને છોડી તમામના કરૂણ મોત થયા હતા.

ગુજરવાડા ગામે શોષકૂવાની ઘટનામાં મૃત્યું પામેલા રતાભાઇ નાડોદાના ગામના ડહીબેન અમરતભાઇ જોષી (65) આ ઘટનાના એક કલાક બાદ દૂધ લેવા માટે ગામમાં નીકળ્યા હતા ત્યારે તેઓને એક સાથે પાંચ લોકોના મોત થયાની જાણ થતાં આઘાત લાગતાં સ્થળ પર બેભાન થઇ જતાં 108 મારફતે સમી સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેઓને તબીબે તપાસતાં મૃત જણાયા હતા.

મૃતકોના નામ

(1) સિંધવ રતાભાઈ જલાભાઈ (ઉ.વ. 41)
(2) સિંધવ રતાભાઈ દેવાભાઈ (ઉ.વ. 41)
(3) સિંધવ રંજનબેન રતાભાઈ (ઉ. વ. 40)
(4) સિંધવ રાજાભાઈ પંચાણભાઈ (ઉ.વ. 60)
(5) સિંધવ અજાભાઈ ગગજાભાઈ (ઉ.વ. 45)