પોરબંદર: પોરબંદર શહેર અને જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદના કારણે જળપ્રલયની સ્થિતિ ઉભી થઈ છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે શહેરમાં અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. સવારે છથી બપોરે બાર વાગ્યા સુધીમાં રાજ્યના 15 તાલુકામાં બેથી છ ઈંચ વરસાદ વરસ્યો છે.  સૌરાષ્ટ્રમાં કેટલાક ગામ  બેટમાં ફેરવાયા છે.  ચોવીસ કલાકમાં રાજ્યના 102 તાલુકામાં મેઘમહેર થઈ છે. સૌથી વધુ પોરબંદરમાં 14 ઈંચ અને કલ્યાણપુરમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. 




પોરબંદરમાં ભારે વરસાદને પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે પોરબંદર જિલ્લાના અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદના પગલે પોરબંદરમાં 12 માર્ગો બંધ કરવામાં આવ્યા છે. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રાત્રીથી વહેલી સવાર સુધી સાંબેલાધાર વરસાદ વરસ્યો છે.


રેલ વ્યવહાર ખોરવાયો


રાજ્યમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે.  પોરબંદરમાં  ભારે વરસાદને કારણે રેલ વ્યવહારને અસર થઈ છે.  3 ટ્રેનો સંપૂર્ણપણે રદ્દ કરાઈ છે.  જ્યારે 3 ટ્રેન આંશિક રીતે રદ જ્યારે 2 ટ્રેન ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  પોરબંદર ભાણવડ પોરબંદર, પોરબંદર ભાવનગર પોરબંદર, પોરબંદર કાનાલુસ પોરબંદર આજના દિવસે સંપૂર્ણપણે રદ રહેશે.  રાજકોટ પોરબંદર એક્સપ્રેસ જેતલસર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.  દિલ્હી સરાઇ રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેન ભાણવડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.  


પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલા રવિ પાર્ક સોસાયટીમાં તો ગોઠણડૂબ પાણી ભરાયા હતા.  પાણી ભરાતા લોકો ઘરમાં કેદ થઈ ગયા હતા.જીવનજરૂરી વસ્તુ માટે ઘર બહાર નીકળેલા લોકોના વાહનો બંધ પડી જતા પરત ફરવું પડ્યું હતું. રવિ પાર્કના સ્થાનિકોએ પાલિકા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે તેવી માગ કરી છે. પોરબંદરમાં  વરસેલા વરસાદના કારણે હનુમાન રોકડિયા નજીકના વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પાણી ભરાયા હતા.  ગોઠણડૂબ પાણીના કારણે લોકો ઘરોમાં કેદ થયા છે. વરસાદના પાણી સોસાયટીમાં રહેતા લોકોના ઘરોમાં ઘૂસ્યા હતા. 


પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રાત્રીથી વહેલી સવાર સુધી સાંબેલાધાર વરસાદ વરસ્યો છે.  છેલ્લા 24 કલાકમાં પોરબંદર જિલ્લામાં 14 ઈંચ વરસાદ વરસ્યો છે.  શહેરના છાયા ચોકી, સુદામા ચોક, એસવીપી રોડ પર  ગોઠણડૂબ તો ક્યાંક કેડસમા પાણી ભરાયા છે.