મળતી વિગતો પ્રમાણે ગીર ગઢડાની ૧૦૮ એમ્બ્યુલન્સને રાત્રે ૧૦:૨૦ તાલુકાના ભાખા ગામથી 30 વર્ષીય અફસાનાબેનને પ્રસૂતિની પીડા માટે કોલ આવ્યો હતો. આ પછી ગીર ગઢડાની ૧૦૮ તે પ્રસૂતાને લેવા જતા હતા અને ત્યાંથી લઈને એમને ગીર ગઢડાની સરકારી દવાખાને જવાનું હતું. અચાનક જ રસુલપરા પાટિયા પાસે પહોચ્યા ત્યાં રસ્તામાં ૪ સિંહનું ટોળું બેઠું હતું.
જેને કારણે ૧૦૮ એમ્બ્યુલન્સ ત્યાં જ રોકવી પડી હતી અને અંદર પ્રસુતિની પીડાવાળા દર્દીને દુઃખાવો વધવા લાગ્યો અને ૧૦૮માં અંદર રહેલા ઇમરજન્સી સ્ટાફ ઇએમટી જગદીશભાઈ મકવાણા અને પાઇલોટ ભરત ભાઈ આહીર દ્વારા એમ્બ્યુલન્સમાં ડિલિવરી જ કરાવી દીધી હતી અને બેબીનો જન્મ થયો હતો.
માતા અને બાળકને એમ્બ્યુલન્સ મા જરૂરી સારવાર આપી હતી અને ત્યાર બાદ પણ તે ૪ સિંહનું ટોળું ત્યાં જ રોડ પર હતું અને એમ્બ્યુલન્સ ફરતે આંટા મારતા હતા. ૨૦ મિનિટ બાદ તે સિંહનું ટોળું સાઈડમાં જતું રહ્યું અને દર્દીને ગીર ગઢડા હોસ્પિટલ ખાતે સલામત રીતે લઈ જવામાં આવ્યા હતા.