Gujarat Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી અમદાવાદ સહિત રાજ્યભરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગઇકાલે રાજ્યમાં ઘણી જગ્યાએ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે 4 લોકોના મોત નીપજ્યા છે. જેમાં વીજળી પડતાં 2 ખેડૂતોના મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે એક મહિલાનું વૃક્ષ ધરાશાયી થતાં અને એક મહિલાનું વીજથાંભલો પડતા મોત નીપજ્યું છે.
રાજકોટના ત્રંબામાં વીજળી પડતાં ખેડૂતનું મોત
રાજકોટ જિલ્લામાં હોળીના પર્વ પર સતત બીજે દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે રાજકોટમાં વીજળી પડવાના કારણે ખેડૂતનું મોત થયું છે. ત્રંબા ગામ ખાતે ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના પર વીજળી પડી હતી. વીજળી પડતા ખેડૂતનું મોત નીપજ્યું હતું.
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં વીજળી પડતાં એક ખેડૂતનું મોત થયું છે. કીલવનીના વાઘોડિયા પાડામાં ખેતરમાં કામ કરતા લક્ષી ભાઈ ખરપડિયાનું વીજળી પડવાથી મોત થયું છે. પરિવાર સાથે ખેતરમાં કામ કરતા હતા ત્યારે પડેલી વીજળી તેમના માટે જીવલેણ સાબિત થઈ હતી.
હિંમતનગરમાં વીજપોલ પડતાં મહિલાનું મોત
સાબરકાંઠના હિમતનગરમાં વીજ પોલ ધરાશાયી થતા મહિલાનું મોત થયું હતું. રોડ સાઈડમાં પાલિકા દ્વારા લગાવેલો વીજ પોલ વાવાઝોડાના કારણે ધરાશાયી થતા મહિલા પર પડ્યો હતો. જેમાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
જંબુસરમાં ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાય થતા વધુ મહિલા સહીત 6 મહિનાની બાળકીનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. જંબુસર નગરના પીશાચેશ્વર મહાદેવ નગર પાસે ના રહેણાંક વિસ્તારમાં ઘટના બની હતી. ઘટનામા મહિલા સુમનબેન વાઘેલા તેમજ આશરે 6માસની દિવ્યા વાઘેલાનું સારવાર દરમિયાન મોત થયું હતું.
રાજ્યમા 24 કલાકમાં 103 તાલુકામાં વરસાદ
રાજ્યમા 24 કલાકમાં 103 તાલુકામાં વરસાદ નોધાયો છે. સૌથી વધુ રાજકોટના કોટડાસાંગાણીમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉપરાંત રાજ્યના અનેક તાલુકામાં 1 થી લઇને 9મિમી સુધી કમોસમી વરસાદ પડ્યો છે. રાજકોટના કોટડા સાંગાણી 27 મિમી, અમરેલીના બગસરામાં 23મિમી, રાજકોટના લોધીકામાં 19મિમી, દાહોદના ઝાલોદમાં 17 મિમી, સુરેન્દ્રનગરના સાયલામાં 13મિમી, રાજકોટમાં 12 મિમી, નર્મદા ડેડિયાપાડામાં 12મિમી, ડાંગના સુબીરમાં 12મિમી, બનાસકાંઠાના ભાભરમાં 12મિમી, રાજકોટના ગોંડલમાં 10મિમી, ગાંધીનગરના માણસામાં 10મિમી અને અમદાવાદના માંડલમાં 10મિમી વરસાદ નોંધાયો છે.