Gujarat Assembly Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં આ બે મોટા મોટા નેતાઓ જોડાયા છે. કોંગ્રેસથી છેડો ફાડનારા ચેતન રાવલ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી છબીલ મહેતાના પુત્રી પણ આપમાં જોડાયા છે.
આપમાં જોડાયા બાદ શું કહ્યું ચેતન રાવલે
આમ આદમી પાર્ટીમાં સામેલ થયા બાદ ચેતન રાવલે કહ્યું, મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ અને આરોગયલક્ષી પ્રશ્નોને વાચા આપવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે. પ્રજા વચ્ચે જઈને, પ્રજાની વાતને વાચા આપવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે. અરવિંદ કેજરીવાલના ટ્રેકરેકોર્ડને જોઈએ હું આજે આપમાં જોડાયો છું. ગુજરાતની પ્રજા અરવિંદ કેજરીવાલને ખોબે ખોબે આશીર્વાદ આપશે. હું નથી માનતો કે આપ ભાજપની B ટીમ હોય, જો ભાજપની B ટીમ હોય તો આપના નેતાઓ ઉપર રેડ ન પડતી હોત. આપ પોતાની રીતે મજબૂત છે, ચૂંટાયેલા પાંખ કોંગ્રેસમાં હાવી છે.
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ શું કહ્યું હતું ચેતન રાવલે
કોંગ્રેસમાથી રાજીનામુ આપ્યા બાદ ચેતન રાવલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, મને કોઈ વ્યક્તિથી અંગત વાંધો નથી, હાલની સંગઠનની અવગણના થઈ રહી છે. હું કોંગ્રેસમાં જોડાયો ત્યારથી અત્યાર સુધી પક્ષ જે દિશામાં જઈ રહ્યો છે તે મારી વિચારધારાની વિરુદ્ધ છે. જગદીશ ઠાકોર,ભરતસિંહ સોલંકી,અમિત ચાવડા તમામ મારા માટે સન્માનીય છે. સંગઠનનું મહત્વ ઘટે અને ચૂંટાયેલ પાંખનું મહત્વ વધે ત્યારે પક્ષની સ્થિતિ બગડતી હોય છે. હું ભાજપમાં જોડાવવાનો નથી, આગામી દિવસોમાં મારા કાર્યકરો સાથે બેઠક કરીશ,નિર્ણય કરીશ પણ અન્ય પક્ષમાં જોડાવવાનો મેં નિર્ણય કર્યો નથી.
કોણ છે ચેતન રાવલ
- ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી સ્વ. પ્રબોધ રાવલના પુત્ર છે ચેતન રાવલ
- અમદાવાદની બે બેઠક પરથી વિધાનસભાની ચુંટણી લડી ચૂક્યા છે
- અસારવા અને ખાડિયા બેઠક પરથી વિધાનસભાની ચુંટણી લડી ચૂક્યા છે
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને પ્રવકતા રહી ચૂક્યા છે ચેતન રાવલ
- અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે ચેતન રાવલ
- અમદાવાદ શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ પણ રહી ચૂક્યા છે
નીતાબેન મહેતાએ શું કહ્યું
પૂર્વ મુખ્યમંત્રી છબીલ મહેતાના પુત્રી નીતાબેન મહેતાએ આપમાં જોડાયા બાદ કહ્યું, આપની કામગીરી યોગ્ય મને યોગ્ય લાગી છે. તેથી મને લાગ્યું કે આપમાં જોડાવું જોઈએ, મે કોંગ્રેસમાં પણ થોડું કામ કરેલું છે,
હું સામાજિક કાર્યકર છું.
ગુજરાતના લોકો ભાજપના શાસનથી થકી ચૂક્યા છેઃ રાજ્યગુરુ
આપના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું, ગુજરાતના લોકો ભાજપના શાસનથી થકી ચૂક્યા છે. કોંગ્રેસ પણ લોકોનો અવાજ ઉજાગર નથી કરી શકી. કોંગ્રેસના નેતાઓ આપમાં જોડાઈ રહ્યા છે. ચેતન રાવલ આજે આપમાં જોડાયા છે અને પૂર્વ મુખ્યમંત્રી છબીલ મહેતાના પુત્રી પણ આપમાં જોડાયા છે. લોકોની સુખાકારી સિવાયના મુદ્દા ઉછાળવાની ભાજપની ટેવ છે. કોંગ્રેસ અને ભાજપ એક બીજાને ખરાબ કહીને મત માંગે છે.