ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી ભાજપે 156, કોગ્રેસે 17, આમ આદમી પાર્ટીએ પાંચ અને અન્યએ ત્રણ અને સમાજવાદી પાર્ટીએ એક બેઠક જીતી હતી.


વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોગ્રેસનો સફાયો થયો છે. રાજ્યના 33 જિલ્લામાંથી 18 જિલ્લા કોગ્રેસ મુક્ત થયા હતા. બીજી તરફ  કૉંગ્રેસના 44 અને આમ આદમી પાર્ટીના 128 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. રાજ્યના 13 જિલ્લાઓમાં કૉંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. રાજ્યના 13 જિલ્લાઓમાં તમામ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે.


અમદાવાદ શહેર 16 અને જિલ્લાની 5 મળી 21 બેઠક પૈકી 19 બેઠક પર લહેરાયો ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે કૉંગ્રેસને માત્ર બે જ બેઠક મળી હતી.  તો એક માત્ર પોરબંદર જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લામાં ભાજપને ભવ્ય જીત મળી છે. પોરબંદર જિલ્લાની એક બેઠક પરથી કૉંગ્રેસ જ્યારે બીજી બેઠક પરથી સમાજવાદી પાર્ટીની જીત થઇ છે. તો કચ્છ જિલ્લાની 6 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. 1995 બાદ પહેલીવાર તમામ બેઠક જીતવામાં ભાજપને સફળતા મળી છે તો જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠક પરથી 3 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે એક બેઠક કૉંગ્રેસ તો એક બેઠક આમ આદમી પાર્ટીના ફાળે આવી છે. અમરેલી જિલ્લામાં  2017ની ચૂંટણીમાં ભાજપનો સફાયો થયો હતો. પાંચેય બેઠક પર કૉંગ્રેસની જીત થઈ હતી.


2022માં પાંચેય બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઇ છે. બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકમાંથી 4 બેઠક પર ભાજપની  જીત થઇ છે. મહેસાણા જિલ્લાની 7 બેઠક પૈકી 6 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. પાટણની કુલ 4 બેઠક પૈકી 2 બેઠક પર ભાજપની જીત થઇ છે. જ્યારે 2 બેઠક પર કૉંગ્રેસની જીત થઇ છે. સુરત શહેરની 12 બેઠક પર ભાજપની ભવ્ય જીત થઇ છે. ઓલપાડથી મુકેશ પટેલ 1 લાખ 15 હજારની લીડથી જીત્યા હતા. માંગરોળ બેઠક પરથી ગણપત વસાવાની જીત થઈ છે.


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ પક્ષની આબરૂ બચાવવામાં મહત્વનો યોગદાન હોય તો તે છે બનાસકાંઠા જિલ્લાનું. બનાસકાંઠાની 9 બેઠકો પૈકી 4 બેઠકો પર કોંગ્રેસ અને 4 બેઠકો પર ભાજપે જીત મેળવી છે જ્યારે એક અપક્ષને ફાળે ગઈ છે. જોકે બનાસકાંઠા જિલ્લાના પરિણામોમાં કેટલા અપસેટ પણ જોવા મળ્યા. ધાનેરા બેઠક પરથી અપક્ષના ઉમેદવાર જીત્યા તો પાલનપુર બેઠક પરથી ભાજપને બે ટર્મ બાદ અહીં જીત મેળવવામાં સફળતા મળી છે. માત્ર એટલું જ નહીં પરંતુ રાજ્ય સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી કીર્તિસિંહ વાઘેલા એ પણ હારનો સામનો કરવો પડ્યો છે.