Gujarat BJP: દેશમાં નવી સરકાર રચાઇ છે, મોદી સરકારે ત્રીજીવાર પોતાનો કાર્યકાળ શરૂ કરી દીધો છે. આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી ભાજપે તમામ 26 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 25 બેઠકો પર જીત મેળવવામાં સફળ રહી હતી. આ જીતનો શ્રેય ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલને જાય છે. પરંતુ હવે સીઆર પાટિલને દિલ્હી કેન્દ્રીય મંત્રી પદ આપવામાં આવ્યુ છે, અને સાથે સાથે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષનો કાર્યકાળ પણ પૂર્ણ થયો છે, તો હવે નવા અધ્યક્ષને લઇને ચર્ચાઓ તેજ થઇ ગઇ છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે, સીઆર પાટિલની જગ્યાએ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે બીજેપીના કેટલાક દિગ્ગજો મેદાનમાં છે. જાણો આ પદ હવે કોને મળી શકે છે.


ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સીઆર પાટિલનો કાર્યકાળ પૂર્ણ થયો છે. હવે રાજકીય વર્તૂળોમાં નવા અધ્યક્ષને લઇને ચર્ચાઓ તેજ થઇ ગઇ છે. ગુજરાત પ્રદેશ ભાજપના   નવા અધ્યક્ષની નિયૂક્તિ હવે પાર્ટી ટુંક સમયમાં કરશે. સીઆર પાટિલના ઉતરાધિકારીની નિયુક્તિ માટેનાં બીજેપીએ ચક્રો ગતિમાન કર્યાની ચર્ચા છે. 


ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષને લઇને હાલમાં જ એબીપી અસ્મિતાને મળેલી exclusive જાણકારી મુજબ, આ વખતે પાટીદાર સમાજમાંથી પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિા ચાન્સ લગભગ નહીંવત છે. તો વળી, આ વખતે ભાજપ એક ટર્મ માટે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે આદિવાસી સમાજ એટલે કે અનુસૂચિત જનજાતિ સમાજને આ પદ આપવાની પ્રબળ શક્યતાઓ છે. ખાસ વાત છે કે, ગુજરાતમાં ઉમરગામથી અંબાજી સુધીનો આદિવાસી પટ્ટો છે, પાર્ટી આ પદ આ સમાજને આપીને મોટો સંદેશ આપવાનો પણ પ્રયાસ કરશે. માહિતી અનુસાર, ગુજરાત પ્રદેશ અધ્યક્ષની રેસમાં સૌથી આગળ બીજેપીના સીનિયર નેતા અને દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર છે. આ ઉપરાંત આ જવાબદારી માટે દાહોદના સાંસદ મનસુખ વસાવા પણ રેસમાં છે. જસવંતસિંહ ભાભોર ચોથીવાર સાંસદ બન્યા છે, જેથી દિલ્હીના રાજકીય વર્તૂળોમાં તેમનુ નામ સૌથી વધુ ચર્ચામા છે, તો વળી, મનસુખ વસાવા સતત સાતમી વાર સાંસદ પદે ચૂંટાયા છે. જોકે, મનસુખ વસાવા અનેકવાર વિવાદોમાં આવી ચૂક્યા છે. 


ખાસ વાત છે કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષના પદ માટે સાંસદ કે પછી ધારાસભ્ય હોય તેવા જ નેતાને પસંદ કરે છે, કેમકે તેઓ રાજ્ય કે કેન્દ્ર સરકારના કાર્યક્રમોમાં આસાનીથી હાજરી આપી શકે છે.


આ નેતાઓ પ્રદેશ અધ્યક્ષની રેસમાં  -
સીઆર પાટિલના સ્થાને ગુજરાત પ્રદેશ અધ્યક્ષની રેસમાં હાલમાં ગુજરાતને કેટલાય નેતાઓ છે, જેમાં આદિવાસી સમાજમાંથી જસવંત ભાભોર, પાટીદાર સમાજમાંથી રજની પટેલ, ક્ષત્રિય સમાજમાંથી આઇ.કે. જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ઓબીસી સમાજમાંથી મયંક નાયક અને ઉદય કાનગઢના નામો ચર્ચામાં છે.