ગાંધીનગરઃ રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે આજે વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ હતું. નીતિન પટેલે આઠમી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યુ. જેમાં તેમણે પોલીસને લઈ મોટી જાહેરાત કરી હતી.


કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બને અને રાજ્યના યુવાનોને રોજગારી સાથે પોલીસમાં સેવા કરવાની તક મળે તે માટે પોલીસ વિભાગમાં વિવિધ સંવર્ગમાં 11 હજાર નવી ભરતી કરવામાં આવશે. જ્યારે 4,528 જેટલા હોમગાર્ડ્સની ભરતી કરવામાં આવશે. જેથી હવે હોમગાર્ડનું સંખ્યાબળ 49 હજાર 808 જેટલું થઈ જશે.

ગૃહ વિભાગ માટે 7503 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત નિર્ભયા ફંડ અંતર્ગત મહિલાની સુરક્ષા માટે સેફ સીટી પ્રોજેક્ટ 63 કરોડની જોગવાઈ છે. પોલીસ આવાસ માટે 288 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.


રાજ્યમાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ 75 વર્ષથી વધુના વૃદ્ધોને રૂ. 750ને બદલે રૂ.1000ની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. જ્યારે 80 ટકાથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને માસિક રૂ.600ની જગ્યાએ રૂ.1000ની સહાય ચૂકવવામાં આવશે. રાજ્યમાં આવેલા વૃદ્ધાશ્રમોની નિભાવ ગ્રાન્ટ માસિક રૂ.1500થી વધારી રૂ. 2160 કરવામાં આવશે.