અબડાસાઃ ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાસાફ થઈ ગયા છે. અબડાસા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે હાર માની લીધી છે. અબડાસામાં તો કોંગ્રેસની એટલી ભૂંડી હાર થઈ છે કે, કોંગ્રેસના ઉમેદવારને અપક્ષ ઉમેદવાર કરતા પણ ઓછા મત મળ્યા છે. અબડાસાના અપક્ષ ઉમેદવાર હનીફ બાવાએ કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કર્યા હતા.


હનીફ બાવાએ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ જ ભાજપના એજન્ટ બનીને કામ કરે છે. કોંગ્રેસે અમારા સમાજને વિશ્વાસમાં લીધા વગર ટીકીટ આપી હતી. કોંગ્રેસના નેતાઓને હવે સમજાયું હશે કે કિંગમેકર કોણ છે. મારા કારણે જ કોંગ્રેસ હારી છે. કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીએ હાર સ્વીકારી લીધી છે. મતગણતરીની અધવચ્ચે હાર સ્વીકારી લીધી છે. એબીપી અસ્મિતા પર હાર સ્વીકારી છે. તેમણે સ્વીકાર્યું હતું કે, આટલી લીડ કાપવી અશક્ય છે. મારી હારની શક્યતા વધારે છે.

અબડાસાના અત્યાર સુધીના પરિણામો પ્રમાણે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને 46,025, કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીને 21,857 અને અપક્ષ ઉમેદવાર હનીફભાઈને 22,951 મત મળ્યા છે.