ગાંધીનગરઃ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પડઘમ વાગી રહ્યા છે.  મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલ ગુરુવારે દિલ્હી જશે. જ્યાં તેઓ વાઇબ્રન્ટ સમિટની વિશેષતા દર્શાવતા રોડ શોમાં ભાગ લેશે. સાથે સાથે ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપશે. નોંધનીય છે કે  10 જાન્યુઆરીએ PM મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે.


 


તે સિવાય તેઓ વિવિધ દેશોના રાજદૂત સાથે બેઠક કરશે  અને વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૨નો કર્ટેન રેઇઝર પ્રોગ્રામ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી વાઇબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથો સાથ કોવિડ મહામારી બાદ બેઠા થતા વૌશ્વિક અર્થતંત્ર વચ્ચે ગુજરાતમાં ઉપલબ્ધ મૂડી રોકાણના નવીનતમ ક્ષેત્રો- ઉજળી સંભાવનાઓ સંદર્ભમાં આ ઊદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ  વિચાર-વિમર્શ, રોડ-શૉ અને વન-ટુ-વન બેઠકમાં કરશે. મુખ્યમંત્રી આ બેઠક દરમિયાન સૌ ઉપસ્થિતોને ગુજરાત રાજ્યની ઉદ્યોગ-વ્યાપારલક્ષી નીતિઓ વિશે માહિતગાર પણ કરશે.








મુખ્યમંત્રી વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને પણ મળશે અને વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ-ર૦૨૨ વિષયક પ્રસ્તુતિ કરશે. આ બેઠકોમાં મુખ્યમંત્રીની સાથે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ અને ખાણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે. મુખ્યમંત્રી 10થી 12 જાન્યુઆરી, 2022 દરમિયાન યોજાનાર આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા ઉદ્યોગપતિઓને નિમંત્રણ આપશે.