Gujarat fiscal deficit 2024-25: નાણાકીય વ્યવસ્થાપનમાં છેલ્લા બે દાયકાથી સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાત દેશનું રોલ મોડલ તેમજ આર્થિક એન્જિન રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વિકાસલક્ષી સહિત ખર્ચ નિયત મર્યાદામાં રહીને જ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા ઉંચો વૃદ્ધિદર હાંસલ કરવા માટે મૂડી ખર્ચમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતું જાહેર દેવું રાજ્યના વિકાસને વધુ વેગવંત બનાવવા તેમજ મૂડી ખર્ચ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૨ ૨૩ની સરખામણીમાં, નાણાકીય વર્ષ ૨૦૨૩ ૨૪માં ૬૫ ટકાનો અને નાણાકીય વર્ષ ૨૦૨૪ ૨૫માં ૪૦ ટકાનો મૂડી ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે તેમ, નાણા વિભાગની યાદીમાં જણાવાયું છે.
વધુમાં, વર્ષ ર૦૦૫માં ગુજરાત નાણાકીય જવાબદારી અધિનિયમને રાજય સરકારે અમલી બનાવ્યો છે. જે અન્વયે રાજયના ઘરગથ્થુ ઉત્પાદનના પ્રમાણમાં જાહેર દેવું ૨૭.૧૦ ટકાથી નીચે રહેવું જોઇએ. વર્ષ ૨૦૦૦ ૦૧માં તે સમયનું જાહેર દેવું GSDP ના ૨૩.૮૬ ટકા હતું. જેમાં ઉત્તરોત્તર ઘટાડો લાવીને નાણાકીય વર્ષ:૨૦૨૩ ૨૪ના સુધારેલા અંદાજોમાં ૧૫.૩૪ ટકા તેમજ નાણાકીય વર્ષ: ૨૦૨૪ ૨૫ના અંદાજોમાં ૧૫.૨૭ ટકા સૂચવવામાં આવ્યું છે. રાજ્યના અસરકારક નાણાકીય સંચાલનના પરિણામે, COVID 19ના વર્ષને બાદ કરતા, આ પ્રમાણ સતત ઘટતું રહ્યું છે. GSDPના પ્રમાણમાં જાહેરદેવાના ગુણોત્તર મુજબ ગુજરાત સમગ્ર દેશમાં બીજા સૌથી નીચા સ્થાને છે જે રાજ્ય સરકારનું યોગ્ય નાણાકીય વ્યવસ્થાપન દર્શાવે છે.
ગુજરાત નાણાકીય જવાબદારી અધિનિયમ, ૨૦૦૫ અનુસાર રાજ્યવિત્તીય ખાદ્યનું પ્રમાણ રાજ્યના એકંદર ઘરગથ્થુ ઉત્પાદનના ૩ ટકાની મર્યાદામાં રાખવાનું હોય છે. ગુજરાતે અસરકારક રાજવિત્તીય વ્યવસ્થાપન દ્વારા રાજ્યવિત્તીય ખાદ્યને નિયંત્રિત રાખવામાં સફળતા મેળવી છે અને નાણાકીય વર્ષ ૨૦૨૪ ૨૫માં રાજ્યવિત્તીય ખાદ્ય માત્ર ૧.૮૬ ટકા અંદાજવામાં આવી છે.
મહેસૂલી આવકની સાપેક્ષે જાહેર દેવાં પરનું વ્યાજ જે નાણાકીય વર્ષ ૨૦૦૦ ૦૧ માં ૨૫.૧૭ ટકા જેટલું ઊચું હતું તે ઘટીને નાણાકીય વર્ષ ૨૦૨૨ ૨૩માં ૧૧.૭૬ ટકા જેટલું થયું છે અને નાણાકીય વર્ષ ૨૦૨૩ ૨૪ના સુધારેલ અંદાજ મુજબ આ પ્રમાણ ૧૧.૬૮ ટકા જેટલું અંદાજવામાં આવ્યું છે.
આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી વગર વ્યાજની ૫૦ વર્ષના લાંબા સમયગાળાની લોન લેવામાં પણ ગુજરાત અગ્રેસર છે. ગત નાણાકીય વર્ષમાં ગુજરાત દ્વારા લેવામાં આવેલ કુલ જાહેર દેવામાંથી ૨૦ ટકા કરતાં પણ વધારે હિસ્સો આવી વગર વ્યાજની કે ઓછા દરની લોનનો છે. નાબાર્ડ દ્વારા ગ્રામિણ આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણ માટે કન્શેસનલ દરે લોન આપવામાં આવે છે. આ ઓછા દરની લોન લેવામાં ગુજરાત સમગ્ર દેશમાં સૌથી અગ્રેસર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જાહેર દેવું કોઇ પણ સરકાર કે સંસ્થા માટે નાણાકીય સંસાધનનું માન્ય અને સ્વીકાર્ય સ્ત્રોત બને છે. કોઇ પણ સરકાર નાગરિકોના લાભદાયી વિકાસના કામો હાથ પર લેવા માંગતી હોય અને વિકાસની ગતિને વધુ વેગવંતી બનાવવા માંગતી હોય તો સરકારે મહેસૂલી આવક ઉપરાંત દેવાની આવક પણ ઉભી કરવી જરૂરી બને છે. પરંતુ, દેવાકીય જવાબદારીઓ મર્યાદિત રહે અને વ્યાજનો ખર્ચ મહેસૂલી આવકના પ્રમાણમાં સિમિત રહે તે માટે ગુજરાત સરકારે સ્વયં શિસ્તના અનેક પગલાઓ ભૂતકાળમાં પણ લીધા છે અને ભવિષ્યને ધ્યાને રાખીને પણ લેવામાં આવી રહ્યા છે.
જાહેર દેવામાં જાહેર બજારની લોનનો ફાળો મુખ્ય રહેલ છે. સુદ્રઢ રાજ્યવિત્તીય વ્યવસ્થાપનના પરિણામે મુક્ત બજારમાંથી લેવામાં આવતા કરજની બાબતમાં રાજય કોઇ પણ પ્રકારની બાંહેધરીનો આશરો લીધા વગર ખૂબ જ સ્પર્ધાત્મક દરે કરજ લઇ શકયું છે જેના કારણે રાજયના વ્યાજમાં નોંધપાત્ર બચત થઇ છે તેમ, નાણા વિભાગ દ્વારા વધુમાં જણાવાયું છે.
આ પણ વાંચો....