Gujarat Election 2022: આમ આદમી પાર્ટી રાજ્યસભા સાંસદ અને ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓની એક મોટી માંગણી રહી છે કે 'જૂની પેન્શન યોજના' ને ગુજરાતમાં લાગુ કરવામાં આવે. આ મામલે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીએ આ વચન આપ્યું છે કે, જ્યારે ગુજરાતમાં 8મી ડિસેમ્બર 2022ના રોજ આમ આદમી પાર્ટીની ઝાડુવાળી સરકાર બનશે, ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી તમામ સરકારી કર્મચારીઓ માટે 'જૂની પેન્શન યોજના' ગુજરાતમાં ફરીથી લાગુ કરશે. ભાજપની જેમ આ વચન માત્ર જુમલો નથી, આ અરવિંદ કેજરીવાલજીની ગેરંટી છે.
પંજાબમાં પણ અમે ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું કે અમે 'જૂની પેન્શન યોજના' લાગુ કરીશું અને અમે પંજાબમાં પણ તે કર્યું છે. આ કારણોસર જ અમે ગુજરાતમાં આવીને ડંકાની ચોટ પર કહીએ છીએ કે, ગુજરાતમાં 8 ડિસેમ્બરે જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ કર્મચારીઓ માટે 'જૂની પેન્શન યોજના' પુનઃસ્થાપિત કરશે.
'નવી પેન્શન યોજના' સરકારી કર્મચારીઓ માટે ખોટનો સોદો છે. હું આપ સૌને કહેવા માંગુ છું કે 'નવી પેન્શન યોજના' ને લાગુ કરવાવાળી ભાજપ જ હતી. જ્યારે 2002-2003માં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, ત્યારે તેમણે 'નવી પેન્શન યોજના' સરકારી કર્મચારીઓ માટે લાગુ કરી હતી. જેનો ખૂબ વિરોધ પણ થઈ રહ્યો છે. પરંતુ આખા ભારતમાં આમ આદમી પાર્ટી જ એક એવી સરકાર છે જેણે કર્મચારીઓની વાત સાંભળી અને પંજાબમાં જૂની પેન્શન યોજનાને લાગુ કરી.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, હું ગુજરાતના મતદારોને ચેતવવા માંગુ છું કે, બીજી જેટલી પણ પાર્ટી તમને એ વચન આપતી હોય કે તે 'જૂની પેન્શન યોજના' લાગુ કરશે, તમે જઈને તેમને પૂછજો કે બીજા કોઇ પણ રાજ્યમાં જ્યાં તેમની સરકાર છે. શું તેમણે ત્યાં આ યોજનાને લાગુ કરી છે? તમે કોંગ્રેસને પૂછજો કે જો તમે સરકારી કર્મચારીઓના આટલા જ શુભચિંતક છો તો શું તમે તમારા બીજા રાજ્યોમાં 'જૂની પેન્શન યોજના' ને લાગુ કરી છે?
તેમણે કહ્યું કે, અમે પંજાબ અને દિલ્હીમાં લોકોને મફત વીજળી આપી છે. આજે લાખો લોકોના ઘરોમાં વીજળીનું બિલ શૂન્ય આવે છે. તેના આધારે અમે ગુજરાતમાં કહ્યું કે, મફત વીજળી આપીશું. અમે દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક બનાવ્યા, બાળકોને વિશ્વસ્તરીય શિક્ષણ વિનામૂલ્યે આપ્યું. તેના આધારે અમે ગુજરાતમાં કહીએ છીએ કે અમે ગુજરાતમાં એ જ કામ કરીશું જે દિલ્હીમાં કરીને બતાવ્યું છે.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, મોરબીની ઘટનાથી એ વાતનો ખુલાસો થયો છે કે ઉપરથી નીચે સુધી ભાજપનું તંત્ર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલું છે. ભાજપના લોકસભા સાંસદ મનોજ તિવારીએ તેમના નિવેદન દ્વારા અરવિંદ કેજરીવાલજીને મારી નાખવાની ધમકી આપી છે. અમે કેન્દ્ર સરકારને અરવિંદ કેજરીવાલજીની સુરક્ષા વધારવાની અપીલ કરીએ છીએ. મનોજ તિવારીએ અરવિંદ કેજરીવાલજીની આંખો કાઢી નાંખવાની અને પગ તોડવાની ગંદી વાત કરી છે. અરવિંદ કેજરીવાલજીની સુરક્ષા વધારવામાં આવે અને જો તેમની સુરક્ષામાં કોઈ ચૂક હોય તો એવું માનવામાં આવે કે તેના માટે મનોજ તિવારી અને ભાજપ જવાબદાર છે. જો આજે દેશના કાયદા ઘડનારાઓ આવા નિવેદનો આપે, મુખ્યમંત્રીને મારી નાખવાની ધમકી આપે તો આ દેશની કાયદો અને વ્યવસ્થાનું શું થશે?