અમરેલીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી, ભાજપ અને કૉંગ્રેસના નેતાઓ પ્રચારમાં લાગી ગયા છે. મળતી જાણકારી અનુસાર, કૉંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અમરેલીથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેમની સામે તેમનો જ ડ્રાઇવર ચૂંટણી જંગમાં ઉતર્યો છે. OBCને કોઈ પક્ષે ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
વીનુભાઇ ચાવડાએ નવ વર્ષ સુધી પરેશ ધાનાણીની ગાડી ચલાવી હતી. હવે તેઓ ચૂંટણી મેદાનમાં પરેશ ધાનાણી સામે જ ઉતર્યા છે. પરેશ ધાનાણીના ડ્રાઈવર વીનુભાઈએ અમરેલી બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. વીનુભાઈના મતે પરેશ ધાનાણીની સાથે રહીને થોડું-ઘણું રાજકારણ આવડી ગયું છે. વીનુભાઈનું કહેવું છે કે, અમરેલીમાં કોઈ પક્ષે ક્યારેય OBCને ટિકિટ આપી નથી. હવે તેઓ ચૂંટણી લડી જબરદસ્ત લીડથી જીત મેળવશે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર બેઠક પર સગા ભાઈ સામસામે છે તો ઝઘડીયાથી પિતા-પુત્ર સામસામે ઉભા છે.
Gujarat Election 2022: ઢોલીના તાલે નાચ્યા ભાજપ નેતા લવિંગજી ઠાકોર, વીડિયો થયો વાયરલ
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને જોરશોરથી ઉમેદવારોએ પ્રચાર કાર્ય શરૂ કરી દીધો છે. આ દરમિયાન રાધનપુર વિધાનસભા ભાજપ ના ઉમેદવાર લવિંગજી ફરી એકવાર સોસીયલ મીડિયામાં છવાયા છે. ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરનો ઢોલીના તાલે નાચતો વીડિયો વાયરલ થયો છે. ગામડાની આગવી અદામાં નાચતા વીડિયોએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ટિકિટ મળ્યા બાદ ઢોલીના તાલે નાચ્યાં લવિંગજી તેવા સ્ટેટસ લોકો ચલાવી રહ્યા છે.
ભાજપ હજુ આ ચાર સીટના ઉમેદવારો નથી કરી શક્યું જાહેર, જાણો ક્યાં કોકડું ગુંચવાયું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા 182માંથી 178 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. હજુ ચાર સીટના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે, જેમાં ખેડા, ખેરાલુ, માંજલપુર અને માણસા બેઠક પર કોને ટિકિટ આપવી તે નક્કી થઈ શક્યું નથી. આ અંગે દિલ્હીમાં મનોમંથન ચાલુ છે. જ્ઞાતિગત સમીકરણો અને જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગીમાં આ કોકડું ગુંચવાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ચૂંટણીના દિવસે સ્કૂલો-કોલેજો અને સરકારી કચેરીઓ બંધ રહેશે
ગુજરાતમાં બ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. આ દિવસે જે જિલ્લાઓમાં મતદાન હશે તે જિલ્લાઓની સ્કૂલો-કોલેજોથી માંડી સરકારી કચેરીઓ બંધ રહેશે.સ્કૂલો-કોલેજોમાં મતદાન મથક પણ રાખવામા આવે છે જેથી વ્યવસ્થાના ભાગરૃપે તેમજ કર્મચારીઓ મતદાન કરી શકે તે માટે સ્ટેચ્યુટરી જોગવાઈ મુજબ રજા આપવામા આવતી હોય છે. ગુજરાતમાં 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર,કચ્છ અને દક્ષીણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન છે ત્યારે આ 89 બેઠકો-મતવિસ્તારો છે ત્યાંના જીલ્લાની તમામ સ્કૂલો-કોલેજો અને શિક્ષણ સંસ્થાઓમાંથી માંડી સરકારી કચેરીઓમાં 1 ડિસેમ્બરે જાહેર રજા રહેશે. ઉપરાંત પાંચમી ડિસેમ્બરે 93 બેઠકો પર મતદાન છે.જેમાં અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. 5 ડિસેમ્બરે આ જિલ્લાઓની સ્કૂલો-કોલેજો અને શિક્ષણ સંસ્થાઓથી માંડી સરકારી કચેરીઓમાં રજા રહેશે. શિક્ષકો,અધ્યાપકોથી માંડી વહિવટી કર્મચારીઓ સહિતના મોટા ભાગના સરકારી કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા છે ઉપરાંત સ્કૂલો-કોલેજોમાં મતદાન મથકો રાખવામા આવે છે અને વધુને વધુ લોકો મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચના નિયમ મુજબ ચૂંટણીના દિવસે જાહેર રજા આપવામા આવે છે.