ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. દિલ્હીમાં અમિત શાહના નિવાસસ્થાને ગુજરાત ભાજપના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં વિધાનસભા ચૂંટણીને લઇને ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી.


સૂત્રોના જણાવ્યા અનુસાર, રૂપાણી સરકારમાં મંત્રી રહેલા આઠ ધારાસભ્યોની ટિકિટ કપાઇ શકે છે. સૂત્રના મતે કેટલાક પૂર્વ મંત્રીઓની ટિકિટ કાપી નવા ચહેરાઓને ભાજપ ટિકિટ આપે તેવી શક્યતા છે. 100થી વધુ બેઠકો પર ભાજપે ત્રણ-ત્રણ ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરી છે. આવતીકાલે પાર્લામેન્ટ્રી બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.


સૂત્રોના મતે 10 નવેમ્બર બપોર સુધીમાં ભાજપ ઉમેદવારોની યાદી જાહેર  કરી શકે છે. ભાજપ હું ખુશ છું નામનું ચૂંટણી કેમ્પેઇન લોન્ચ કરશે. ભાજપના અનેક મોટા નેતાઓની ટિકિટ કપાઇ શકે છે. ભાજપ વધુ નવા ચહેરાઓને ટિકિટ આપશે. એક ડઝનથી વધુ મહિલાઓને ભાજપ ટિકિટ આપી શકે છે.


ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે હેપ્પીનેસ કેમ્પેઈન શરૂ કર્યું છે. ભાજપની કેન્દ્રીય નેતાગીરીની બેઠકમાં આ અભિયાનને મંજૂરી આપવામાં આવી હતી. આ અભિયાનમાં સામાન્ય ગુજરાતીઓની લાગણી ઉમેરી શકાય તે રીતે આ અભિયાનની રચના કરવામાં આવી છે. આ અંતર્ગત સરકારે 20 વર્ષ દરમિયાન જે યોજનાઓ અને સિદ્ધિઓ હાંસલ કરી છે અથવા ગુજરાતની ઓળખ દેશભરમાં બનાવી છે, તે ઓળખ ઉભી કરવામાં આવી છે.

અભિયાનની થીમ શું છે ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કરવામાં આવનાર પ્રચારના મુખ્ય ચાર વિષયો અત્યાર સુધી સામે આવ્યા છે.

'હું ખુશ છું...' કે ગુજરાતમાં નર્મદાનું પાણી છેલ્લા ખૂણે પહોંચી રહ્યું છે.'

'હું ખુશ છું કે હું ગુજરાતમાં સુરક્ષિત છું'

'હું ખુશ છું કે ગુજરાતમાં પ્રગતિ થઈ છે તેનો મને આનંદ છે'

'હું ખુશ છું કે ગુજરાતમાં વેપાર છે'

નવી પેઢીના નેતાઓને જવાબદારી સોંપવામાં આવશે

ગુજરાતમાં છઠ્ઠી વખત ભાજપ ચૂંટણીની સીડી પાર કરવા પ્રચાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોમાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડશે. બેઠકમાં ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ હતી અને 100થી વધુ બેઠક પર ત્રણ-ત્રણ ઉમેદવારોની પેનલને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ આ દરમિયાન પાર્ટીમાં નવી પેઢીના નેતાઓની ભાગીદારી પણ વધવાની છે.

અનેક નેતાઓની ટિકિટ કપાશે

ગુજરાતની વિજય રૂપાણી સરકારમાં ગત વખતે જે મંત્રીઓને દૂર કરવામાં આવ્યા હતા તેમાં પાર્ટી ઘણા મોટા નેતાઓની ટિકિટ કાપવા જઈ રહી છે. તેમાંથી જે મજબૂત નેતાઓની ટીકીટ કપાશે તેમની ટીકીટ કાપીને ભાજપ નવી પેઢીના ઉમેદવારો પર દાવ લગાવવા જઈ રહ્યું છે. પાર્ટીએ નક્કી કર્યું છે કે આ વખતે વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ પણ વધારવામાં આવશે. આ માટે એક ડઝનથી વધુ મહિલાઓને ટિકિટ આપવાની તૈયારી ચાલી રહી છે.

ગુજરાતમાં નવી પેઢીને પ્રતિનિધિત્વ મળશે

ભાજપ ગુજરાતમાં હેપ્પીનેસ કેમ્પેઈનની સાથે જૂની પેઢીના સ્થાને નવી પેઢીનું પ્રતિનિધિત્વ વધારવા જઈ રહી છે. આ સાથે જ મહિલાઓનો હિસ્સો વધારવો એ સીધો સંદેશ પણ આપવા જઈ રહ્યો છે કે રાજકારણમાં યુવાનોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ પણ વધવું જોઈએ.