ઈદ-એ-મિલાદ અંગે રાજ્ય સરકાર માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં 15 વ્યક્તિ અને એક વાહનની મર્યાદામાં 19 ઓક્ટોબરે ઈદ-એ-મિલાદની ઉજવણી કરવાની છૂટ આપવામાં આવી છે. ઈદ-એ-મિલાદના જુલુસનું માત્ર દિવસે જ આયોજન કરી શકાશે. તેમજ જુલુસ જે વિસ્તારનું હશે તે વિસ્તારમાં જ ફરી શકશે. જેને શક્ય એટલા ઓછા સમયમાં પૂર્ણ કરવાનું રહેશે. આ દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવું પડશે.
ઈદ-એ-મિલાદના જુલુસ કાઢવા માટે પરમિશન આપવા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ, જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને વાંકાનેરના ધારાસભ્ય મોહંમદ પીરજાદાએ મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી હતી. ઉપરાંત રાજ્યના ડીજીપીને પણ મળી કાયદો વ્યવસ્થા જળવાય તે રીતે જુલુસ કાઢવા પરમિશન અંગે વાતચીત કરાઈ હતી. જુલુસ જે વિસ્તારનું હશે તે વિસ્તારમાં જ ફરી શકશે. જેને શક્ય એટલા ઓછા સમયમાં પૂર્ણ કરવાનું રહેશે.
સરકારે આગામી 10 નવેમ્બર સુધી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગરમાં રાત્રિ કર્ફ્યૂને વધારવામાં આવ્યો હતો. આઠેય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ રાતના 12થી સવારના 6 વાગ્યા સુધી લાગૂ રહેશે. આમ આ તમામ 8 શહેરોની દિવાળી રાત્રિ કર્ફ્યૂ વચ્ચે પસાર થશે.
આ પહેલા નવરાત્રીમાં રાજ્ય સરકાર દ્વારા માત્ર શેરી ગરબાને 400 લોકોની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી હતી. આ મામલે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો 400 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો હતો. રાજ્યમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શિયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવી નહોતી.
રાજ્યમાં લગ્ન પ્રસંગોમાં પણ 400 વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી હતી. આ ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય તે જરુરી રહેશે. આ પ્રકારના આયોજનોમાં લાઉડ સ્પીકર નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે.