અમદાવાદ: રાજ્યના વીજ વપરાશ કરતા ગ્રાહકોને વીજ ભારણનો બોજો ભાવ વધારાના સ્વરૂપે વીજ ગ્રાહકો ઉપર ન પડે તે માટે ગ્રાહકોના હિતમાં ગુજરાત વીજ નિયમન આયોગ સમક્ષ વીજ ભાવ વધારો નહીં માંગવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે. આ વાતની જાણકારી ઊર્જા મંત્રી સૌરભ પટેલે આપી છે.


ઊર્જા મંત્રી સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વીજ વીતરણ વ્યવસ્થાનું આધુનિકરણ કરવામાં આવશે. વીજ વીતરણ વ્યવસ્થાનું આધુનિકરણ થવાથી વીજ વિતરણ દરમિયાન થતા ‘વીજ વિતરણ લોસ’માં ઘટાડો થશે, વીજ ખરીદીમાં ઘટાડો તથા વીજ વિતરણ કંપનીઓની કાર્યશક્તિમાં વધારો થશે અને વીજ ભારણ સરભર કરી શકાશે.

ઊર્જા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આખા દેશમાં ગુજરાત રાજ્ય પ્રથમ છે જ્યાં ગ્રાહકોના હિતમાં ગુજરાત વીજ નિયમ આયોગ સમક્ષ છેલ્લા ઘણા વર્ષોથી ભાવ વધારો માંગેલ નથી. ગુજરાતમાં ખેતી વિષયક વીજ વપરાશ દર વર્ષે વધતો જાય છે જેની સામે વીજ દરની સબસીડીને કારણે સરકારી ભારણ વધતું હોવા છતાં અંદાજે બે લાખ કૃષિ વિષયક વીજ ગ્રાહકોના હિતમાં એક સમાન વીજ દરનો મહત્વનો નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

તમને જણાવી દઇએ કે, અત્યારે મીટરભાડા ઉપર જીએસટી લાગુ પડતાં કંપનીઓને નુકસાન થઈ રહ્યું હોવાની દલીલ થઈ રહી છે, તેથી મીટર ભાડું ફિકસ્ડ ચાર્જ સાથે સીધેસીધું મર્જ કરી દેવાની પરમિશન મંગાઈ હોવાનું વીજ કંપનીના સૂત્રો જણાવી રહ્યાં છે.